ખેડૂતે કલેક્ટરને લેખિત રજૂઆત કરી: બેંક મેનેજર અને કર્મચારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનો આક્ષેપટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામના એક ખેડૂતે મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. જેમાં તેમણે મોરબીની ઇન્ડિયન ઓવરસીઝ બેંકના કર્મચારીઓ અને મેનેજર દ્વારા ખેડૂતોને લોન ભરપાઈ કર્યા બાદ નો-ડ્યુ સર્ટિફિકેટ આપવામાં હેરાન કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.સજનપર ગામના ખેડૂત ત્રિભોવનભાઈ આંબાભાઈ અહરવા દ્વારા કલેક્ટરને આજે તારીખ 20 એપ્રિલના રોજ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, અગાઉ ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા સજનપર ગામને દત્તક લઈ ખેડૂતોને ધિરાણ આપવાનું કામ કરવામાં આવ્યું હતું. જોકે, બેંકની અપૂરતી સુવિધા અને કર્મચારીઓના સ્વભાવથી કંટાળીને ખેડૂતોએ પોતાની મંડળી બદલાવેલ છે. હવે રેવન્યુ રેકોર્ડ પરથી બેંકનો બોજો હટાવવા માટે ખેડૂતોને નો-ડ્યુ સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થતાં બેંકની મુલાકાતે જવું પડે છે. આ સર્ટિફિકેટ લેવા માટે જ્યારે ખેડૂતો બેંકમાં જાય છે ત્યારે કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબો આપી, ખોટા વાયદા કરી ધક્કા ખવડાવવામાં આવે છે.વધુમાં રજૂઆતમાં જણાવ્યું છે કે, સજનપર ગામ મોરબીથી આશરે 18 કિલોમીટર દૂર છે અને નો-ડ્યુનો દાખલો લેવા માટે ખેડૂતોને 3 જેટલા ધક્કા ખાવા પડે છે. એટલું જ નહીં, બેંક દ્વારા આપવામાં આવતા દાખલામાં પણ ભૂલો ભરેલી વિગતો લખવામાં આવે છે. આ ભૂલભરેલા દાખલા લઈને ખેડૂતો જ્યારે ટંકારા મુકામે (જે આશરે 20 કિલોમીટર દૂર છે) બોજા મુક્તિની નોંધ કરાવવા જાય છે ત્યારે તેમને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. આ મુશ્કેલી અંગે બેંક મેનેજર સાથે વાત કરતા તેઓ પણ મજા આવે તેવું ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ઉડાઉ જવાબ આપતા હોવાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે. ખેડૂતોને પડતી આ મુશ્કેલી અંગે બેંકના આવા વર્તન સામે યોગ્ય કરવા કલેક્ટર સમક્ષ અરજી લાવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FarmersIssue #IndianOverseasBank #Tankara #CollectorOffice #AgricultureLoan #GujaratNews