વાર્ષિક પરીક્ષાના સમયે ઓનલાઈન એન્ટ્રી, ચૂંટણી ફરજ, દ્વિભાષી LC અને હિસાબી કામગીરીના ભારણથી શિક્ષકોમાં વ્યાપક અસંતોષમોરબી : ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે પ્રાથમિક શિક્ષકો શિક્ષણ સિવાયની અનેકવિધ કામગીરીઓ અને તંત્રના આદેશો વચ્ચે પીસાઈ રહ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન ઉત્સવો અને બિન-શૈક્ષણિક કામગીરીઓએ શૈક્ષણિક કાર્ય પર અસર કરી છે, અને હવે પરીક્ષાના સમયે પણ શિક્ષકો કામના ભારણ હેઠળ દબાયેલા છે.ઓનલાઈન એન્ટ્રી અને શૈક્ષણિક સામગ્રીનો પ્રશ્નકર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન તાલીમ, બે ત્રિમાસિક, પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષાના પેપરો ચકાસીને પ્રશ્નવાઈઝ માર્કની ઓનલાઈન એન્ટ્રી માટે 29 જેટલી કોલમ અપલોડ કરવાની કામગીરી શિક્ષકો માટે માથાના દુ:ખાવા સમાન બની છે. આ ઉપરાંત, આખું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ હવે સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગરથી વિદ્યાર્થીઓની સ્વ-અધ્યયન પોથીઓ ક્લસ્ટર કક્ષાએથી લેવા જવાની ફરજ પડી રહી છે.દ્વિભાષી લિવિંગ સર્ટિફિકેટ (LC) ની નવી સમસ્યાગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આપવાનો આદેશ થયો છે. પરંતુ, શાળા કક્ષાએ એલ.સી. બુક અને વયપત્રક રજીસ્ટરમાં માહિતી માત્ર ગુજરાતીમાં છે અને નવી એલ.સી. બુક પણ ફાળવવામાં આવી નથી. આધારકાર્ડ અને જન્મ તારીખના દાખલામાં નામના છબરડા, તેમજ ઘણા વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને અપાર આઈડી (APAAR ID) જનરેટ ન થયા હોવાથી શિક્ષકો આ વિગતો બંને ભાષામાં કેવી રીતે ભરવી તેની મુંઝવણમાં છે.હિસાબી કામગીરી અને પ્રમાણપત્રોની માંગશાળા માટે એસએમસી કક્ષાએ ફાળવેલ અનુદાનના હિસાબો રાજ્યકક્ષાએ નક્કી કરેલ એજન્સીના એકાઉન્ટન્ટ દ્વારા નિભાવવાના હોય છે, પરંતુ આ વર્ષે એજન્સીની નિમણૂક ન થતાં હિસાબો નિભાવવા અને ટેલી સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા વગેરેની જવાબદારી શિક્ષકો અને આચાર્યો પર આવી પડી છે. બીજી તરફ, ગત સત્ર મતદારયાદી સુધારણામાં ગયા બાદ હવે અમુક જિલ્લાઓમાં ડીપીઈઓ દ્વારા આચાર્યો પાસેથી ધોરણ 1 થી 5 માં 800 કલાક અને ધોરણ 6 થી 8 માં 1000 કલાક શિક્ષણ કાર્ય થયાની ખાતરી બદલ પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે. એક તરફ બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ અને બીજી તરફ આવા પ્રમાણપત્રોની માંગણી કેટલે અંશે વ્યાજબી છે તેવો સવાલ ઉઠી રહ્યો છે.ચૂંટણી ફરજ અને રજાઓનો અભાવહાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. 3 જેટલી તાલીમો અને પ્રત્યક્ષ ચૂંટણી ફરજમાંથી વ્યાજબી કારણો (ઘરે લગ્નપ્રસંગ કે શારીરિક તકલીફ) હોવા છતાં રિટર્નિંગ ઓફિસરો મુક્તિ આપતા નથી. સતત 2 માસ સુધી બીએલઓ (BLO) તરીકે કામ કરનાર શિક્ષકોને પણ ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસરના હુકમો આપી દેવાયા છે. શિક્ષકો દિવાળી વેકેશનમાં મતદારયાદી સુધારણા કામગીરીના કારણે ફરવા જઈ શક્યા ન હતા, અને હવે ઉનાળુ વેકેશન પણ વસ્તી ગણતરીની કામગીરીમાં જવાની ભીતિ છે.આમ, સતત અનેકવિધ કામગીરીઓને કારણે સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષકો શારીરિક અને માનસિક થાક અનુભવી રહ્યા છે અને શિક્ષણ તંત્રની નીતિઓ પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.#GujaratTeachers #PrimaryEducation #EducationDepartment #TeacherProblems #ElectionDuty #GujaratNews #MorbiUpdate #EducationSystem #Gujarat