40 થી 42 ડિગ્રી તાપમાનમાં મતદારોને હાલાકી ન પડે તે માટે મંડપ, પીવાનું પાણી અને પંખા-કૂલરની વ્યવસ્થા કરવા માંગમોરબી : આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે મતદાન પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં મોરબીના ભાજપ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરીને મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉભી કરવા માંગ કરવામાં આવી છે.મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયા તથા ભાજપ શહેર કોષાધ્યક્ષ હર્ષદભાઈ વામજા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં જણાવાયું છે કે, હાલમાં સમગ્ર ગુજરાતભરમાં ચૂંટણી પર્વ ચાલી રહ્યો છે ત્યારે તમામ મતદારોમાં જાગૃતિ આવે અને લોકો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.પરંતુ હાલમાં ઉનાળામાં પડતી 40 થી 42 ડિગ્રી જેવી કાળઝાળ ગરમીને કારણે ઓછું મતદાન થવાની શક્યતાઓ છે. તેથી, દરેક મતદાન મથક પર મતદારો માટે મંડપ બાંધીને છાંયડાની તેમજ થોડીઘણી બેઠક વ્યવસ્થા, પીવા માટે ઠંડુ પાણી અને પંખા અથવા કૂલરની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.જો તંત્ર દ્વારા આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો મતદારોને ગરમીમાં રાહત મળશે અને મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. આ રજૂઆતની નકલ મોરબી જિલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર સંજય જોષીને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Election2026 #VoterAwareness #SummerHeat #PollingBoothFacilities #GujaratElections #BJP #MorbiNews