જેણે પણ અમારી ટિકિટ કાપી છે તેના આત્માને ભગવાન શાંતિ આપે : અમારી અપક્ષની પેનલ લોકોના પ્રશ્ને 24 કલાક ઉપલબ્ધ રહેશે, રાત્રે 12 વાગ્યે પણ કોઈનો ફોન આવશે તો ત્યાં પહોંચી જઈને પ્રશ્ન હલ કરવાની તૈયારી : પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયામોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 1ની અપક્ષ પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વેળાએ દેવાભાઈ અવાડિયાએ એક વિશાળ જંગી સભાને સંબોધિત કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે દેવાભાઈએ પોતાના કરેલા વિકાસ કાર્યોનો હિસાબ આપ્યો હતો અને સામે પક્ષે તેમની પેનલની ટિકિટ કાપનારા ભાજપના આગેવાનો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેઓ પ્રજાના કામ માટે 24 કલાક ઉપલબ્ધ રહે છે અને એટલે જ પ્રજાની વચ્ચે મત માંગવા ઊભા છે.સભાને સંબોધતા દેવાભાઈએ જણાવ્યું હતું કે ભગવતી પરા, ગાયત્રી નગર, ધર્મ નગર, મીરાં પાર્ક, ગણેશ નગર અને કુબેર નગર સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા અને લાઈટના કામો તેમણે કરાવ્યા છે. કુબેર નગરમાં સવારે 2200 ફૂટ પાઇપલાઇન અને અન્ય વિસ્તારમાં માત્ર 5 જ દિવસમાં 1200 ફૂટ પાણીની લાઈન નાખીને લોકોના પાણીના પ્રશ્નો હલ કર્યા છે. કપૂરીની વાડીમાં પણ 5 વર્ષ પહેલાં પોતાના કાર્યકાળમાં ગટર અને પાણીની લાઈનો નાખી હોવાનું તેમણે યાદ અપાવ્યું હતું.ભાજપ દ્વારા ટિકિટ ન ફાળવાતા અપક્ષ પેનલ બનાવીને મેદાનમાં ઉતરેલા દેવાભાઈએ ભાજપના ઉમેદવારો પર સીધા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 154 મતો ધરાવતા અમુક વિસ્તારોમાં 6 મહિનાથી પાણી નથી આવતું અને લોકો જ્યારે જૂના કોર્પોરેટરને ફોન કરે ત્યારે 'બોડી સુપરસીડ થઈ ગઈ છે' તેવા બહાના બતાવવામાં આવે છે. દેવાભાઈએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે જો લોકોએ મત આપ્યા હોય તો કોર્પોરેટર ન હોય તો પણ કામ કરવા પડે.પોતાની અને પોતાની પેનલના સભ્યોની ટિકિટ કાપવા અંગે આક્રોશ ઠાલવતા દેવાભાઈએ જણાવ્યું હતું કે, જેણે પણ અમારી ટિકિટ કાપી છે તેના આત્માને ભગવાન શાંતિ આપે. તેઓએ ભાવુક થતા ઉમેર્યું હતું કે છેલ્લા 3 મહિના અને 21 દિવસ એટલે કે 111 દિવસથી ન્યાય માટે તેમના ઘરમાં અખંડ દીવો પ્રજ્વલિત છે.પોતાની કામગીરીની ખાતરી આપતા દેવાભાઈએ ગર્જના કરી હતી કે રાત્રે 12 વાગ્યે પણ કોઈ મહિલા, વડીલ કે યુવાનનો ફોન આવે તો તેઓ સાડા બાર વાગ્યે નાઈટ ડ્રેસમાં પણ પહોંચી જઈને પ્રશ્ન હલ કરવાની તૈયારી ધરાવે છે. શેરીમાં કૂતરું મરી ગયું હોય તો તેના નિકાલથી લઈને ક્રિષ્ના પાર્કમાં જેસીબી મંગાવી પોતાના ખર્ચે લાઈન સરખી કરાવ્યાનું ઉદાહરણ આપતા તેમણે લોકોને ખાતરી આપી કે જો તેઓ લોકોના કામ ન કરી શકે તો મૂછો કાઢી નાખશે. અંતમાં દેવાભાઈએ 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં પોતાની અપક્ષ પેનલને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. તેમણે પોતાની પેનલના ઉમેદવારો જિજ્ઞાશાબેન (ક્રમ 14), નિર્મળાબેન (ક્રમ 15) અને રાજુભાઈ (ક્રમ 16) તેમજ અમિતભાઈના નિશાન 'મોતીઓનો હાર' પર મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે 28 એપ્રિલના રોજ આવનારા પરિણામમાં તેમની પેનલ ઐતિહાસિક લીડથી વિજયી બનશે.#Morbi #Ward1 #MorbiNagarpalika #MorbiUpdate #MorbiNews #GujaratPolitics #DevabhaiAvadiya