વોર્ડ નં.9 કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ વિશાળ સભા યોજાઈ : ઝૂલતો પુલ દુર્ઘટના, 500 કરોડના ભ્રષ્ટાચાર અને લોકશાહીના હનન મુદ્દે ભાજપની આકરી ઝાટકણી કાઢવામાં આવીમોરબી: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં પ્રચાર કાર્ય તેજ બન્યું છે. ઉમિયા સર્કલ ખાતે કોંગ્રેસના વોર્ડ નં. 9 ના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર નેતા મનોજ પનારા, અગ્રણી નેતા લલીત કગથરા, અને નયન અધારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મનોજ પનારાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને મોરબીમાં થયેલા ભ્રષ્ટાચાર તથા શાસકોની નિષ્ફળતાના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.વોર્ડ નં. 9 ના કોંગ્રેસના ઉમેદવારો જયેશ કાલરિયા, જોશના ઝાલરીયા, મહિપત પરમાર અને શીતલ પનારાના સમર્થનમાં આ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 8, 9, 10, 11 અને 12ના કોંગ્રેસના તમામ લડાયક ઉમેદવારોની સરાહના કરવામાં આવી હતી અને મોરબીના સર્વાંગી વિકાસ માટે પરિવર્તન લાવવા જનતાને અપીલ કરવામાં આવી હતી. સભામાં મનોજ પનારાએ 15 દિવસના પોતાના પ્રવાસના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં જેટલી સત્તા જરૂરી છે, તેટલો જ મજબૂત વિપક્ષ પણ જરૂરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ દ્વારા વિપક્ષને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને દરેક સમાજના સક્ષમ આગેવાનોની રાજકીય કારકિર્દી ખતમ કરવામાં આવી રહી છે.મનોજ પનારાના સંબોધનના મુખ્ય અંશો:● લોકશાહીનું ચીરહરણ: ચૂંટણીઓમાં ડામ, દામ, દંડ, ભેદ અને પોલીસ તથા ગુંડાઓનો ઉપયોગ કરીને ફોર્મ પાછા ખેંચાવી બિનહરીફ ચૂંટણીઓ કરાવવાની નીતિને તેમણે લોકશાહીની હત્યા ગણાવી હતી.● પાટીદારોને અપીલ: તેમણે પાટીદારોને ભાજપ પ્રત્યેનો 'આંધળો પ્રેમ' છોડવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ આંધળા પ્રેમને કારણે જ પાટીદાર દીકરીઓને હેરાન કરતા અને ગુંડાગીરી કરતા લોકોને ટિકિટ આપવામાં આવે છે. તેમણે આહવાન કર્યું કે પક્ષ જોયા વિના સારા માણસોને જ મત આપો.● 500 કરોડનો ભ્રષ્ટાચાર: કામધેનુ પાછળ આવેલી આવાસ યોજનાનું ઉદાહરણ આપતા તેમણે આક્ષેપ કર્યો કે મોરબીમાં 52 ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા પછી 500 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો છે.● ઝૂલતો પુલ દુર્ઘટના અને નગરપાલિકાની નિષ્ફળતા: ઝૂલતા પુલની ગોઝારી ઘટનાનો ઉલ્લેખ કરતા પનારાએ રોષ ઠાલવ્યો કે 52 નગરસેવકોમાંથી એકેયે પાલિકાનો વાંક સ્વીકાર્યો નહીં, જેના કારણે એક મોટા દાનવીર જયસુખભાઈને 1.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું.● 27-28 બેઠકો જ આપો: તેમણે જનતાને અપીલ કરી કે શાસકોને સંપૂર્ણ બહુમતી (52 માંથી 52) આપવાને બદલે માત્ર 27 કે 28 બેઠકો જ આપો, જેથી તેમનો અહંકાર તૂટે અને તેઓ જનતાથી ડરીને કામ કરે.● 15 સક્ષમ પાટીદારોને મોકલો: મહાનગરપાલિકામાં એવા 15 પાટીદારોને ચૂંટીને મોકલવા જણાવ્યું જે અન્યાય સામે અવાજ ઉઠાવી શકે અને રસ્તા પર ઉતરીને લોકોના હક માટે લડી શકે.● સામાજિક જાગૃતિ: તેમણે 125 વીઘા જમીન ગુંડાઓ પાસેથી છોડાવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ દીકરીઓને અશ્લીલતાથી બચાવવા ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરી પ્રાચીન નવરાત્રી તરફ વળવા સમાજને ટકોર કરી હતી.હાલના ધારાસભ્ય કે કોર્પોરેટર પ્રજાના પ્રતિનિધિ નથી, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના પટાવાળા છે : લલિતભાઈલલિત કગથરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લોકો આંખે પાટા બાંધીને એક જ પક્ષને મત આપી રહ્યા છે. જો અગાઉ 52 એ 52 સીટો ભાજપને આપી હોવા છતાં મોરબીમાં રસ્તા ન બન્યા હોય તો હવે લોકોએ વિચારવાનો સમય આવી ગયો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે પાંચ વર્ષ સુધી હાલાકી ભોગવ્યા પછી ફરીથી ચૂંટણી આવે ત્યારે લોકો બધું ભૂલી જાય છે અને પાછા ભાજપના નામે મત આપી દે છે. આ વખતે જો ફરીથી એ જ ભૂલ કરી તો ભગવાન પણ નહીં બચાવી શકે તેવી ચેતવણી તેમણે મતદારોને આપી હતી. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર સીધું નિશાન સાધતા તેમણે કહ્યું કે, હાલના ધારાસભ્ય કે કોર્પોરેટર એ પ્રજાના પ્રતિનિધિ નથી, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના પટાવાળા છે. જ્યારે સમાજના કામની વાત આવે ત્યારે તેઓ પક્ષને પૂછવાનું કહે છે. મોંઘવારી મુદ્દે સરકારને ઘેરતા લલિત કગથરાએ સવાલ કર્યો હતો કે છેલ્લા 3 મહિનામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલ સહિતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં 30 થી 40 ટકાનો તોતિંગ વધારો થયો છે. પરંતુ ખેડૂતો જે ખેતી કરીને પેદાશ લાવે છે તેનો ભાવ કેમ નથી વધતો? તેમણે ઉમેર્યું કે જેવી ચૂંટણી પૂરી થાય એટલે તરત જ પેટ્રોલ અને ડીઝલમાં 15 થી 30 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવે છે, જેનો સીધો બોજ સામાન્ય જનતા પર પડે છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiElection #WardNo9 #CongressParty #ManojPanara #GujaratPolitics #MorbiNews #ElectionCampaign