પ્રાઇવેટ યુનિવર્સિટીઓને GCAS પોર્ટલ અંતર્ગત લાવવા અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવા માંગ, માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકીમોરબી : મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં જોવા મળતી ખામીઓ અને વિસંગતતાઓના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હિતમાં ABVP દ્વારા સરદાર બાગ નજીક OMVVIM કેમ્પસ પાસે રસ્તા પર બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ABVP મોરબી નગર મંત્રીની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રજૂઆતમાં જણાવ્યા મુજબ, GCAS પોર્ટલ દ્વારા ચલાવવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં વારંવાર સર્વર ડાઉન થઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન માટે 300 રૂપિયા ફી, 33 જેટલા રાઉન્ડ સુધી ચાલતી લાંબી પ્રવેશ પ્રક્રિયા અને પોર્ટલમાંથી પ્રાઈવેટ યુનિવર્સિટીઓની બાદબાકી મુખ્ય સમસ્યાઓ છે. આ ખામીઓને લીધે વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ મેળવી શકતા નથી અને તેમને ફરજિયાતપણે પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં મોટી ફી ચૂકવીને એડમિશન લેવું પડે છે, જેના કારણે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓની સીટો ખાલી રહે છે.આ સમસ્યાઓના નિવારણ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે:તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે.જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવામાં આવે તો GCAS પોર્ટલને માત્ર ડેટા એકત્રીકરણ માટેનું માધ્યમ બનાવીને પ્રવેશ પ્રક્રિયા ડીસેન્ટ્રલાઈઝ કરી યુનિવર્સિટી દ્વારા જ હાથ ધરવામાં આવે.રજિસ્ટ્રેશન ફી પેટે ઉઘરાવવામાં આવતા 300 રૂપિયા ઘટાડવામાં આવે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરી પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવામાં આવે. તેમજ વિદ્યાર્થિનીઓ (બહેનો) પાસેથી આ ફી બિલકુલ ન લેવામાં આવે તેવી પણ માંગ છે.આ તમામ માંગોને લઈને ABVP દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જો આગામી સમયમાં આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો મોરબી ABVP દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #ABVP #GCAS #StudentProtest #EducationNews #GujaratUniversity