પ્રોહિબિશનના 200 કેસ કરાયા : 30 શખ્સો તડીપાર, 10 સામે પાસા હેઠળ કાર્યવાહીમોરબી : મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના જણાવ્યા મુજબ જિલ્લામાં ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે પોલીસની પ્રાથમિકતા છે. આ માટે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાયસન્સ ધરાવતા હથિયારો જમા લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 1100 જેટલા હથિયારો પોલીસ પાસે જમા થઈ ચૂક્યા છે.ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. પોલીસ વડાએ માહિતી આપી હતી કે છેલ્લા 15 દિવસમાં લાંબા સમયથી નાસતા ફરતા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે 450 જેટલા નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ 1627 શખ્સો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે, . જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી માટે પ્રોહિબિશન એક્ટ હેઠળ 200 જેટલા કેસ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લામાંથી 30 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે અને 10 જેટલા માથાભારે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.