મોરબી ફાયર વિભાગ દ્વારા 14 થી 20 એપ્રિલ સુધી ફાયર વીકની ઉજવણી; 30 નવા ફાયર જવાનોની ભરતી કરાશે અને અત્યાધુનિક સાધનો વસાવાશેમોરબી : 14 એપ્રિલ 1944 ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં જહાજમાં લાગેલી આગને ઓલવવા જતા 66 ફાયર જવાનો શહીદ થયા હતા. તેમની યાદમાં દર વર્ષે 14 એપ્રિલના રોજ 'ફાયર ડે' અને 14 થી 20 એપ્રિલ સુધી 'ફાયર સર્વિસ વીક' ઉજવવામાં આવે છે. આ અંતર્ગત મોરબીમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે મોરબીના કેસર બાગ ફાયર સ્ટેશન ખાતે સવારે 8 વાગ્યે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાંજે 6:30 થી 7:30 દરમિયાન ફાયર વિભાગના વિવિધ વાહનોની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલી કેસર બાગથી શરૂ થઈ ગેંડા સર્કલ, સર્કિટ હાઉસ, પાડા પુલ, મણી મંદિર, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી થઈને બાપા સીતારામ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. બાપા સીતારામ ચોક ખાતે 27 મીટર ઊંચી TTL (ટર્ન ટેબલ લેડર) મારફતે ફાયર જવાન દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોકોને જાગૃત કરવા માટે મિની ફાયર, બોટ, રેસ્ક્યુ ટેન્ડર, વોટર બાઉઝર અને અન્ય અત્યાધુનિક સાધનોનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેથી લોકો આધુનિક સાધનો વિશે જાણી શકે.મોરબી ફાયર વિભાગનું વિસ્તરણ અને નવી સુવિધાઓ:મોરબી જિલ્લાની સુરક્ષા માટે ફાયર વિભાગને વધુ સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. જયેશ ડાકીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે:● મોરબીમાં કુલ 5 નવા ફાયર સ્ટેશન બનશે: સુલતાન શેરી (જૂનું ફાયર સ્ટેશન નવું બની રહ્યું છે), સર્કિટ હાઉસ પાસે (જિલ્લાનું મોડેલ ફાયર સ્ટેશન બનશે), એસ.પી. રોડ, અમરેલી (ડેમ પાસે રેસ્ક્યુના બનાવો માટે) અને શનાળા (રાજકોટ રોડ પરના અકસ્માતો માટે).● વાહનો અને સાધનો: ફાયર વિભાગ પાસે હાલ 3 સ્પીડ બોટ, 2 નવા મિની ફાયર સ્ટેશન અને અન્ય અત્યાધુનિક વાહનો છે. વિભાગ દ્વારા 7 નવા વાહનો વસાવવામાં આવ્યા છે અને આગામી બજેટમાં રોબોટ સહિતના વધુ આધુનિક વાહનો ખરીદવામાં આવશે.● સ્ટાફ અને ભરતી: હાલમાં 21 જવાનોનો સ્ટાફ કાર્યરત છે, અને આ જ મહિનામાં વધુ 30 જવાનોની નવી ભરતી કરીને તેમને હાજર કરવામાં આવશે.કોઈપણ ઇમરજન્સી જેવી કે આગ, અકસ્માત, પાણીમાં ડૂબવાના બનાવ કે લિફ્ટમાં ફસાવા જેવા સમયે મોરબીની જનતા 101 નંબર પર 24 કલાક અને 365 દિવસ ટોલ ફ્રી સંપર્ક કરી શકે છે. મોરબી ફાયર વિભાગની ટીમ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.#Morbi #MorbiUpdate #FireDay #MorbiFireStation #FireSafety #FireServiceWeek #MorbiNews #Gujarat