30 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હારનો ડર સતાવતા ઉમેદવારો પર દબાણ લાવવાનો પ્રયાસ, ધમકી આપનારાઓના નામ પણ કાલે જાહેર કરીશું : કોંગ્રેસ આગેવાન જયેશ કાલરીયાના આક્ષેપકોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા, ભાજપે કોઈ ઉમેદવારને તોડવાનો પ્રયાસ કર્યો નથી : જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયામોરબી: મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ચૂંટણીના ફોર્મ મંજૂર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તા અને પૈસાના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની કોંગ્રેસ નેતા જયેશ કાલરીયાએ રાવ કરી છે.જયેશ કાલરીયાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો પર સામાજિક, આર્થિક અને માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે અને દાદાગીરીથી પ્રેસર કરવામાં આવી રહ્યું છે. ભાજપના આ ટોર્ચરથી બચાવવા માટે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 11, 12 અને 13 ના કુલ 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ ઉપરાંત માળિયા તાલુકા પંચાયતના 3 અને મોરબી તાલુકાના 1 ઉમેદવારને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.છેલ્લા 30 વર્ષથી મોરબીમાં ભાજપનું શાસન છે પરંતુ લોકોના કામ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોવાથી તેમને હારનો ડર સતાવી રહ્યો છે, તેથી બિનહરીફ જીતવા માટે પ્રજાનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં પણ ઉમેદવારો પર આવું સામાજિક કે માનસિક પ્રેસર ચાલુ રહેશે તો કોંગ્રેસ પાર્ટી કાયદાકીય રાહે ફરિયાદ પણ કરશે. વધુમાં કોંગ્રેસ કાલે બપોરે આ ધમકી આપનારાઓના નામ પણ જાહેર કરશે. અંતમાં તેમણે મોરબીની જનતાને અપીલ કરી હતી કે જનતા આવા લોકોને ઓળખે અને જે ઉમેદવારો સત્તા અને પૈસાથી જીતવા માંગે છે તેમને દૂર કરી સાચા લોકસેવકને ચૂંટે.કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા, ભાજપે કોઈ ઉમેદવારને તોડવાનો પ્રયાસ કર્યો નથી : જયંતિ રાજકોટિયામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને તોડવા અને ધાકધમકી આપવાના મુદ્દે પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે, આવી કોઈ જ વાત તેમના સુધી આવી નથી કે ભાજપ દ્વારા આવો કોઈ જ પ્રયાસ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ કદાચ ભારતીય જનતા પાર્ટીના જુસ્સાથી ડરી ગઈ છે. ભાજપના તમામ પદાધિકારીઓ પોતાના કામમાં લાગેલા છે અને આવા આક્ષેપો માત્ર અફવા છે. આ ઉપરાંત માળિયા તાલુકા પંચાયતના 3 ઉમેદવારોને તોડવાના આક્ષેપ અંગે પણ તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આવી કોઈ જ તોડજોડની વાત તેમના ધ્યાનમાં આવી નથી અને અમારામાંથી કોઈએ આવું કંઈ કર્યું પણ નથી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiElection #Congress #BJP #JayeshKalariya #GujaratElection #Politics