માળીયા મિયાણા નગરપાલિકામાં પણ બે ઉમેદવારીપત્ર રદ થયામોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સોમવારે આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની અલગ અલગ પાંચ તાલુકા પંચાયતની 98 બેઠક પરથી ફોર્મ ભરનાર 415 ઉમેદવારો પૈકી 111 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહેતા હવે 304 મેદાને રહ્યા છે. સાથે જ ત્રણ નગરપાલિકામાં એક માત્ર માળીયા નગર પાલિકામાં બે ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા હતા.જિલ્લા ચૂંટણીતંત્રના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં પાંચ તાલુકા પંચાયતોની ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકાની 20 બેઠકો માટે 88 ફોર્મ ભરાયા હતા જેમાંથી 27 ફોર્મ રદ થતા હવે 61 ઉમેદવાર મેદાને રહ્યા છે. જ્યારે માળીયા મિયાણા તાલુકાની 16 બેઠક માટે 76 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 25 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા હતા. મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 83 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 23 ફોર્મ અમાન્ય રહેતા 60 ઉમેદવાર મેદાને રહ્યા હતા.ટંકારા તાલુકાની 16 બેઠક માટે 65 ઉમેદવારીપત્ર રજૂ થયા હતા જે પૈકી 13 ફોર્મ રદ થતા હવે 52 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે સૌથી વધુ 103 ઉમેદવાર મેદાને હતા જે પૈકી 23 ઉમેદવારીપત્ર અમાન્ય રહેતા હવે અહીં 80 ઉમેદવાર મેદાને રહ્યા છે.સાથે જ માળીયા મિયાણા નગર પાલિકામાં બે ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહયા હતા.