યુવાન વયે અકસ્માતમાં મૃત્યુ પામેલા ડો. પ્રશાંતના ગરીબ દર્દીઓને મફત સારવાર આપવાના સ્વપ્નને સાકાર કરવા પરિવાર દ્વારા સતત 18 વર્ષથી સેવાકાર્યમોરબી : વાવડી ખાતે આવેલી વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે આજે 12 એપ્રિલના રોજ ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન, સારવાર અને ફ્રી દવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો.આ તકે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ડો. પ્રશાંત મેરજાના પિતા બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, ડો. પ્રશાંત મેરજાનું 18 વર્ષ પહેલાં 24 વર્ષની યુવાન વયે કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. ડોક્ટર બનીને ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાની તેમની મહેચ્છા હતી. તેમના આ સેવાકીય વિચારને જીવંત રાખવા માટે છેલ્લા 18 વર્ષથી મોરબીના ગરીબ દર્દીઓ માટે દર વર્ષે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સાથે વજીબેન અંબારામભાઈ મેરજાની સ્મૃતિને પણ આ કેમ્પ સમર્પિત છે. ડો. પ્રશાંત અને વજીબેન, આ બંનેનું દેવલોકગમન 9 વર્ષના અંતરે હનુમાન જયંતીના દિવસે જ થયું હતું, જેથી આજના પાવન દિવસે આ કેમ્પ યોજવામાં આવે છે.આજના આ કેમ્પમાં જુદી જુદી ફેકલ્ટીના 10 જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસીને યોગ્ય નિદાન, સારવાર અને મફત દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જો કોઈ દર્દીને મોટા ઓપરેશન કે જટિલ રોગની સારવાર માટે અમદાવાદ કે રાજકોટ જવાની જરૂર પડે, તો ફાઉન્ડેશન દ્વારા તે માટે પણ આગળની કાર્યવાહી (ફોલો-અપ) માટે યોગ્ય માર્ગદર્શન અને મદદ પૂરી પાડવામાં આવે છે.આ કેમ્પનું ઉદ્ઘાટન કબીર ધામના મહંત શિવરામદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે શરૂ થયેલો બપોરે 12 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ કેમ્પમાં અંદાજિત 350 થી 400 દર્દીઓએ મફત નિદાન અને સારવારનો લાભ લીધો હતો.#Morbi #MorbiUpdate #MedicalCamp #DrPrashantMerjaFoundation #FreeHealthCamp #SocialService #MorbiNews