નગ્ન હાલતમાં મળી આવેલા મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ હત્યાનો ગુન્હો નોંધાયોવાંકાનેર : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ગઈકાલે અજાણ્યા પુરુષની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મૃતકને બેફામ માર મારવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સિપરિયાળી સીમમાં તા.8ના રોજ અંદાજે 40થી 50 વર્ષના પુરુષની નગ્ન હાલતમાં ઇજાઓના નિશાન સાથેની લાશ મળી આવતા મૃતદેહનું ફોરેન્સિન્ક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.આ બનાવમાં ફોરેન્સિક રિપોર્ટમાં પુરુષને લાકડી કે ધોકા વડે બેફામ માર મારવાથી મૃત્યુ થયાનું સામે આવતા બનાવ અંગે સમથેરવા ગામના સરપંચ વિજય બાબુભાઇ ઉકેડીયાની ફરિયાદના આધારે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ હત્યા કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.