મોરબીના 1.08 લાખ પુરુષો અને 99થી હજારથી વધુ સ્ત્રી મતદારો કરશે 52 નેતાજીના ભાવિનો ફેંસલો : સૌથી વધુ વોર્ડ નંબર 11મા 24,471 મતદાર : વોર્ડ નંબર 6મા સૌથી ઓછા 12,951 મતદારમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબીના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. આગામી તા.26 એપ્રિલના રોજ કોર્પોરેશનની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી હોય રાજકારણમા ગરમાવો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પુરી તૈયારી સાથે ચૂંટણી લડવા ખોંખારો ખાઈ લીધો છે ત્યારે પ્રથમ ચૂંટણીમસ 13 વોર્ડ ભાવિ મુરતિયાનું ભાવિ નક્કી કરવા મોરબીના 1.08 લાખથી વધુ પુરુષો અને 99થી હજારથી વધુ સ્ત્રી મતદારો 26મીએ ઇવીએમમાં નેતાજીનું ભાવિ કેદ કરશે.સીરામીક નગરીના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ગુજરાત સરકારે વર્ષ 2025માં મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે આગામી પ્રથમ ચૂંટણીમાં મોરબી શહેરના કુલ 2,08,470 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1,08,579 પુરુષ અને 99,891 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. નવી વોર્ડ રચના મુજબ શહેરમાં વોર્ડ નંબર 11 સૌથી મોટો વોર્ડ છે, જેમાં મહત્તમ 24,471 મતદારો છે, જ્યારે વોર્ડ નંબર 6 સૌથી નાનો વોર્ડ છે જેમાં 12,951 મતદાર નોંધાયેલા છે. દરેક વોર્ડના સીમાંકન અને મતદારોની સંખ્યાને આધારે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.પ્રથમ વખત ચૂંટાનાર નેતાજી પર વિકાસ સાથે નાગરિકોની સુવિધાની જવાબદારીનગરપાલિકામાંથી મહાનગર બનેલા મોરબી શહેરમા ટ્રાફિક સમસ્યા, વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટર સહિતના મુખ્ય પાયાના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જવાબદારી પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવનારા પ્રતિનિધિઓ પર રહેશે. સાથે જ શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ, આધુનિક શહેરો જેવી વ્યવસ્થા સહિતના પાયાના પ્રશ્નોના નિરાકરણની જવાબદારી રહેશે. કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી મોરબીના ભવિષ્યની રૂપરેખા નક્કી કરશે. દરેક મતદારે પાંચ વખત ઇવીએમનું બટન દબાવવું પડશેમોરબી કોર્પોરેશનની ચૂંટણીમાં 13 વોર્ડના 52 નગરસેવક ચૂંટવા માટેની હોય ચૂંટણીતંત્ર દ્વારા મલ્ટી ચોઈસ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં દરેક વોર્ડમાં દરેક મતદારે પોતાના વોર્ડના ચાર ઉમેદવારોને મત આપવાના રહેશે. આ ચાર મત આપ્યા બાદ, પોતાનો મત સફળતાપૂર્વક નોંધાય તે માટે ઈવીએમ મશીન પર છેલ્લે રજીસ્ટ્રેશન માટેનું પાંચમું બટન દબાવવું પડશે તો જ મત માન્ય ગણાશે.