કામધંધો ન કરતો હોવાથી ઠપકો આપનાર પિતાને પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધા : પોલીસે પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરીમોરબી : માળિયા તાલુકાના મોટા ભેલા ગામમાં ગત તા. 7 ના રોજ એક કરુણ અને ચોંકાવનારી ઘટના બની હતી. પિતાએ પુત્રને કામધંધો કરવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના જ પિતા પર કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના અંગે ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોટા ભેલા ગામમાં રહેતા જીવણભાઈ વાઘાભાઈ અને તેમનો પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈ બંને બાજુ-બાજુમાં જ રહેતા હતા. જીવણભાઈને કુલ 4 પુત્રો છે, જે પૈકીનો પ્રવીણ છૂટક મજૂરી કામ કરતો હતો પરંતુ વ્યવસ્થિત કોઈ કાયમી કામધંધો કરતો ન હતો. આથી મોટી ઉંમરના પિતા જીવણભાઈએ તેને કોઈ કામધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો.પિતાના ઠપકાથી ઉશ્કેરાયેલા પુત્ર પ્રવીણભાઈએ પોતાના ઘર પાસે પડેલી કુહાડી લઈને પોતાના પિતા જીવણભાઈને પગના ભાગે ગંભીર ઘા માર્યા હતા. કુહાડીના ઘા વાગવાને કારણે વધુ પડતું લોહી વહી જવાથી પિતા જીવણભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના બીજા પુત્ર (આરોપીના ભાઈ) દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈની ગઈકાલે જ ધરપકડ કરી લીધી છે. હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પીઆઇ કે. કે. દરબાર ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Maliya #MotaBhela #CrimeNews #Murder #MorbiPolice #GujaratPolice #NewsUpdate