સતત ઝુંબેશરૂપે કામગીરીને કારણે ગત વર્ષની તુલનાએ રૂ.17.41 કરોડની વધુ આવક થઈ : શહેરી વિસ્તારના 39,806 અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારના 17,325 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યોમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ સતત બીજા વર્ષમાં વેરા વસુલાતમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. નાણાકીય વર્ષ 2025 - 26માં કર વસૂલાતમાં કોર્પોરેશને ઇતિહાસ રચ્યો છે અને અત્યાર સુધીની સૌથી વધુ રૂ.41.84 કરોડની રેકોર્ડબ્રેક આવક નોંધાઇ છે. ગત વર્ષ કોર્પોરેશને વર્ષ 2024 - 25માં રૂ.24.43 કરોડની આવક સામે આ વર્ષે રૂ.17.41 કરોડનો વધારો થયો છે.કોર્પોરેશનની વેરા વસુલાતની કુલ આવકમાં હાઉસ ટેક્સના રૂ.38.17 કરોડ અને વ્યવસાય વેરો એટલે કે, પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ. 3.67 કરોડનો સમાવેશ થાય છે.મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિક ભંડોળને વધુ મજબૂત કરવા ટેક્સની આવક વધારવા પ્રયાસો શરૂ કરી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઝુંબેશરૂપે કામગીરી કરવાની સૂચના આપી કડક ઉઘરાણી ચાલુ રાખતા વર્ષ 2025 - 26માં મોરબી શહેરી વિસ્તારના 39,806 અને ગ્રામ્ય વિસ્તારના 17,325 મિલકત ધારકોએ પ્રમાણિક પણે ટેક્સ ભરપાઈ કર્યો હતો. જેને પરિણામે વહીવટી તંત્રને વેરા વસુલાત પેટે રૂ.41.84 કરોડની આવક નોંધાઇ હતી.પ્રમાણિક કરદાતાઓ માટે સપ્તેમ્બેર મહિના સુધીમાં એડવાન્સ ટેક્સ ભરનારને 10 ટકા અને ઓનલાઈન પેમેન્ટ કરનારને વધારાનું બે ટકા રિબેટ આપીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન આપવામાં આવતા મહાનગર પાલિકાને આ વર્ષે વિક્રમી આવક નોંધાઇ હતી.કરદાતાઓએ 26 કરોડ રોકડા અને 5 કરોડ ડિજિટલ ટ્રાન્જેક્શનથી ચૂકવ્યામોરબી મહાનગર પાલિકામાં વર્ષ 2025- 26માં કરદાતાઓએ 41.84 કરોડની રકમ ભરપાઈ કરી છે જેમાં કરદાતાઓએ 26,65,03,435 રોકડ સ્વરૂપે રૂ.5,94,90,776 મોબાઈલ એપ તેમજ વેબસાઈટ મારફતે, રૂ.4,41,28,397 ચેકથી તેમજ રૂ.1,15,51,269 પીઓએસ મશીનથી ચૂકવ્યા હતાનવા સોફ્ટવેરથી નાગરિકોની સુવિધાઓમાં વધારોમોરબી મહાનગર પાલિકા દ્વારા વેરા વસુલાત માટે ઈ-નગર સોફ્ટવેરમાં આવતી સર્વરની સમસ્યાઓને દૂર કરવા માટે પોતાનું નવું સોફ્ટવેર ડેવલપ કર્યું છે. આ સોફ્ટવેર દ્વારા મિલકત ધારકોને અનેક સુવિધાઓ મળી રહી છે. જેમાં ખાસ કરીને વોટ્સએપ અને એસએમએસ દ્વારા બાકી વેરાની જાણકારી સીધી મોબાઈલ પર મળી રહે છે. આ ઉપરાંત ટેક્સ ભરવા માટે પાલિકાની પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી હોય નાગરિકો ઓનલાઈન પેમેન્ટની સુવિધા દ્વારા ચુકવણા કરી રહ્યા છે.સાથે જ કોર્પોરેશને વેબસાઈટ પરથી જ મિલકતના નામ ટ્રાન્સફરની સુવિધા આપવાનું પણ શરૂ કરતા નાગરિકોની સુવિધામાં વધારો થયો છે.