સરકારી વકીલ એસ.બી. સોલંકીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એસ.જી. શેખે આરોપી દિનેશ જાદવને કસૂરવાર ઠેરવ્યો, પીડિતાને 10000 નું વળતર ચૂકવવા આદેશટંકારા : ટંકારાની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે સ્ત્રી સુરક્ષાને પ્રાધાન્ય આપતો એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. છેલ્લા 1 મહિનાથી કોલેજ અને સ્કૂલે આવતી-જતી યુવતીનો પીછો કરી હેરાન કરનાર ટંકારાના શખ્સને કોર્ટે દોષિત ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજા અને પીડિતાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી અને ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીનો આરોપી દિનેશ ઉર્ફે પીન્ટુ નાનજીભાઈ જાદવ છેલ્લા 1 મહિનાથી પીછો કરતો હતો. ગત તારીખ 05/09/2024 ના રોજ લતીપર ચોકડી પાસે યુવતીએ હિંમત બતાવી પોતાના પિતાને બોલાવ્યા હતા અને આરોપીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આ વેળાએ ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. આ મામલે ટંકારાના બીટ જમાદાર સાહેદભાઇ સીદીકિએ તપાસ ચલાવી હતી. પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આ કેસ ટંકારા કોર્ટમાં ચાલવા પર સરકારી વકીલ એસ.બી. સોલંકી દ્વારા ફરિયાદ પક્ષ તરફે મજબૂત રજૂઆતો કરવામાં આવી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે આ ગુનો સ્ત્રી વિરુદ્ધનો છે. સમાજમાં આવો ગુનો કરનારા તત્વોમાં ડર પેદા થાય અને અન્ય લોકો માટે દાખલો બેસે તે માટે આરોપીને મહત્તમ સજા થવી જોઈએ. તેમજ યુવતીને જે માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે, તે બદલ આરોપી પાસેથી યોગ્ય વળતર અપાવવા માટે પણ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી.આ કેસમાં ન્યાયાધીશ એસ.જી. શેખે નોંધ્યું હતું કે આરોપીએ આ કૃત્ય કોઈ ઉશ્કેરાટમાં આવીને નહીં, પરંતુ સમજી-વિચારીને તબક્કાવાર રીતે કર્યું છે. જો આવા કિસ્સામાં નરમ વલણ રાખવામાં આવે તો સમાજ પર તેની ખોટી અસર પડે છે. આ ગંભીર નોંધ સાથે કોર્ટે આરોપી દિનેશ જાદવને ભારતીય ન્યાય સંહિતાની કલમ 78(2) હેઠળ 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.સાથે જ ભોગ બનનાર યુવતીને માનસિક ત્રાસના બદલામાં રૂપિયા 10000 વળતર પેટે ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. જો આરોપી વળતર ન ચૂકવે તો તેણે વધુ 3 મહિનાની જેલ ભોગવવી પડશે. કોર્ટના આ ચુકાદાથી મહિલાઓનો કાયદા અને ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે અને ટંકારા પંથકમાં આવા રોમિયો તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.#Tankara #TankaraCourt #MorbiUpdate #WomenSafety #CourtVerdict #TankaraNews #Justice #MorbiDistrict