'વન વીક વન રોડ' ઝુંબેશ અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે મનપાનું બુલડોઝર ફર્યું, કેનાલ રોડ પરના કાચા-પાકા દબાણો દુર કરાયામોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને રસ્તાઓ પહોળા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની દર બુધવારે ચાલતી 'વન વીક વન રોડ' ઝુંબેશ અંતર્ગત આજે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપા દ્વારા રસ્તા પરના કાચા અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.આ કાર્યવાહી અંગે માહિતી આપતા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો નવો કેનાલ પેરેલલ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ માટે ઇરિગેશન વિભાગ દ્વારા કેનાલથી 10 મીટર સુધીની જગ્યા સંપાદન કરવામાં આવી હતી. આ સંપાદિત જગ્યામાં 6 જેટલા મિલકતધારકો દ્વારા 2 ફૂટથી લઈને 6 ફૂટ સુધીનું દબાણ કરવામાં આવ્યું હતું. રસ્તાનું કામ સરળતાથી પૂર્ણ થઈ શકે તે માટે આજે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.શહેરમાં છેલ્લા 15 મહિનાથી 'વન વીક વન રોડ' અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેમ જણાવતા ડેપ્યુટી કમિશનરે શહેરીજનોને અપીલ કરી હતી કે, જો કોઈએ સરકારી જગ્યાઓ પર દબાણ કર્યું હોય તો તે સ્વેચ્છાએ દૂર કરી દે જેથી શહેરના વિકાસના કામો અને રસ્તા પહોળા કરવાની કામગીરીમાં અડચણ ન આવે.વધુમાં, કેનાલમાં કચરો નાખવાની સમસ્યા અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોકોને વારંવાર સમજાવવા છતાં જો તેઓ જાહેરમાં કે કેનાલમાં કચરો નાખતા પકડાશે તો તેમની સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કેનાલની સફાઈની જવાબદારી ઇરિગેશન વિભાગની છે, જ્યારે શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈ કોર્પોરેશન દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #EncroachmentRemoval #MorbiMunicipalCorporation #OneWeekOneRoad #MorbiPolice #SanjaySoni #GujaratNews