નવા મેનુમાં બજાર ભાવ કરતા ઘણી ઓછી નાણાકીય જોગવાઈ હોવાની રાવ, વિદ્યાર્થી દીઠ ખર્ચ 5 રૂપિયાથી વધારી 7 રૂપિયા કરવા રજૂઆતટંકારા : ટંકારા તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં શિક્ષણ વિભાગના તારીખ 17/03/2026 ના ઠરાવથી પૌષ્ટિક અલ્પાહારના મેનુમાં કરવામાં આવેલા ફેરફારો અંગે ગંભીર ભૂલો અને વિસંગતતાઓ દર્શાવવામાં આવી છે.આવેદનપત્રમાં મુખ્યત્વે નીચે મુજબની રજૂઆતો કરવામાં આવી છે:● પૌવા બટેકા, મગ ચાટ, મિક્સ કઠોળ ચાટ અને ઉપમા બનાવવા માટે જરૂરી મરીમસાલા માટે કોઈ નાણાકીય જોગવાઈ કરવામાં આવી નથી.● કઠોળના બજાર ભાવ પ્રમાણે નાણાકીય જોગવાઈ કરેલ નથી.● શ્રી અન્નના લોટની બજાર કિંમત સરેરાશ 65 રૂપિયા છે, જ્યારે ઠરાવમાં 1 કિલો માટે માત્ર 40 રૂપિયાની જોગવાઈ છે.● સીંગતેલના 1 ડબ્બાનો ભાવ 2850 રૂપિયા નક્કી કરાયો છે, જ્યારે હાલ બજારમાં તેનો ભાવ 3000 રૂપિયાથી ઉપર છે.● ટામેટા, લીંબુ અને ધાણાભાજી જેવા શાકભાજીના બજાર ભાવ નિયત કરેલ ભાવ કરતા બમણા છે.● 2024 ના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓને 50 ગ્રામ અલ્પાહાર આપવાની જોગવાઈ હતી, જે નવા મેનુમાં ઘટાડીને 38 થી 43 ગ્રામ કરાઈ છે. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આ પ્રમાણ ઓછું હોવાથી તેને ફરી 50 ગ્રામ કરવાની માંગ છે.● છેલ્લા 3 થી 4 માસથી રાજ્યના 70% કેન્દ્રો પર દાળ, ચણા કે અન્ય કોઈ પણ જાતનું કઠોળ ફાળવવામાં આવ્યું નથી.કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે પણ આવેદનમાં માંગ કરવામાં આવી છે ● કર્મચારીઓને લઘુતમ વેતન કરતા પણ ઓછું વેતન મળે છે, તેથી સરકારમાં પડેલી વેતન વધારાની ફાઈલ સત્વરે મંજૂર કરી વેતન વધારો જાહેર કરવો.● સસ્તા અનાજની દુકાનેથી કેન્દ્ર સુધી અનાજ લાવવાનો ટ્રાન્સપોર્ટ અને મજૂરી ખર્ચ ભારત સરકારની જોગવાઈ મુજબ ચૂકવવો.● ગેસ સિલિન્ડર રિફિલ કરાવવા માટે એજન્સીથી કેન્દ્ર સુધીનો ટ્રાન્સપોર્ટ ખર્ચ ગુજરાત સરકારના ઠરાવની જોગવાઈ મુજબ આપવો.● માસિક હિસાબ કે અન્ય કામકાજ માટે તાલુકા મથકે આવવા-જવા માટેનું વાહન ભાડું રાજ્ય સરકારની જોગવાઈ મુજબ ચૂકવવું.મંડળે જણાવ્યું છે કે બજાર ભાવ અને નિયત થયેલ નવા મેનુમાં મોટી વિસંગતતા હોવાથી પૌષ્ટિક અલ્પાહારમાં એક વિદ્યાર્થી દીઠ થતો 5 રૂપિયાનો કુલ ખર્ચ વધારીને હાલના બજાર ભાવ પ્રમાણે 7 રૂપિયા કરવો જોઈએ. જ્યાં સુધી આ નવી જોગવાઈ ન થાય ત્યાં સુધી જૂનું મેનુ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે. જો આ રજૂઆતોનો સત્વરે યોગ્ય નિકાલ કરી નિર્ણય લેવામાં નહીં આવે તો કર્મચારી મંડળ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MidDayMeal #GujaratGovernment #EmployeesStrike #Memorandum #EducationDepartment #GujaratNews