ખનીજ ચોરી કરવા ગેરકાયદેસર બ્લાસ્ટ થાય તે પૂર્વે જ એસઓજી પોલીસ ત્રાટકી : 12 વિરુદ્ધ ગુન્હો નોંધાયોવાંકાનેર : રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખનીજ માફિયાઓ પર તૂટી પડવા કરેલા આદેશને પગલે મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં દરોડો પાડી ખનીજ ચોરી કરવા માટે ખોદેલા 98 બોર ઝડપી લઈ બોરમાં નાખવામાં આવેલ જીલેટિન સ્ટીક તેમજ ડિટોનેટર તેમજ અન્ય સંગ્રહી રાખેલા વિસ્ફોટકોનો જંગી જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.ગેરકાયદે ખનનના આ કેસમાં એસઓજી ટીમે અન્ય 11 આરોપીઓને ફરાર દર્શાવી બોલેરો વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી એક્સપ્લોઝીવ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.વાંકાનેર તાલુકાના ખાણખનીજ વિભાગની રહેમ દ્રષ્ટિ હેઠળ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે તે જગજાહેર છે ત્યારે રેન્જ આઈજીના આદેશ બાદ મોરબી એસઓજી પોલીસ ટીમે સતાપર ગામથી અદેપર જતા રોડ પર શક્તિધાર દળદળિયા હોકળા પાસે બાતમીના આધારે દરોડો પાડતા બનાવ સ્થળે સતાપરના રેવન્યુ સર્વે નંબર 111 પૈકી 12ની સરકારી જમીનમાં 98 બોર કરી 23 બોરમાં ઇલેક્ટ્રોનિક ડિટીનેટર બાંધી 255 કિલોગ્રામ વિસ્ફોટક સમગ્રી નાખી ધડાકા કરવાની તૈયારી કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.બનાવ સ્થળેથી એસઓજી ટીમે આરોપી રમેશ ગોરધનદાસ ખોજીરજી રહે.રાજકોટ આજી વસાહત, ખોડિયારનગર વાળાને ઝડપી લેતા આરોપી ચોથાભાઈ વાલાભાઈ ગોરીયા અને સામાભાઈ રહે.સતાપર વાળાના કહેવાથી ગેરકાયદેસર ખનન માટે તૈયારી કરી હોવાનું કબુલ્યું હતું. માનવ તેમજ પશુધન માટે જોખમી રીતે ગેરકાયદેસર ખનન કરવા મામલે શોર્ટ ફાયરર અજાણ્યા માણસ, બોલેરો ગાડી નંબર જીજે - 03 - બીવાય - 9933ના ચાલક તેમજ અજાણ્યા સાત માણસો વિરુદ્ધ એસઓજી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.વધુમાં સતાપર ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ કાઢવા માટેના આ રેકેટમાં પોલીસે આરોપી રમેશ ખોજીરજીના કબ્જામાંથી જીલેટિનની 475 સ્ટીક કિંમત રૂપિયા 1,05,450, ઇલેક્ટ્રોનિક ડિટોનેટર નંગ 75 કિંમત રૂ.3750, ટીએલડી વાયર નંગ 88 કિંમત રૂ.4400, પાવડા નંગ 3 કિંમત રૂપિયા 150 તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 અને બોલેરો વાહન કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂપિયા 3,18,750નો મુદ્દામાલ કબ્જે કરી તમામ 12 આરોપીઓ વિરુદ્ધ એક્સપ્લોઝીવ એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.એસઓજી પોલીસની કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.