ફાયર સ્ટેશન અને મનપા કચેરી માટે નિર્ધારિત 5 વીઘા જમીનમાં પડેલા કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડે કામગીરી શરૂ કરીમોરબી: મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા ગામ પાસે આવેલા ગુજરાત ગેસના પંપ નજીક મહાનગરપાલિકાની માલિકીની ખુલ્લી જગ્યામાં આજે સતત બીજા દિવસે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ એ જ જગ્યા છે જ્યાં ભવિષ્યમાં ફાયર સ્ટેશન અને મહાનગરપાલિકાની નવી કચેરીનું નિર્માણ કરવાનું આયોજન છે. ગઈકાલે પણ આ સ્થળે આગ લાગી હતી જેને ફાયર વિભાગે કાબુમાં લીધી હતી, પરંતુ આજે સાંજે ફરીથી આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ, આશરે 5 વીઘા જેટલી આ વિશાળ જમીનમાં અગાઉનો ઘણો કચરો અને સૂકા બાવળ આવેલા છે. ગઈકાલે લાગેલી આગ બાદ કચરાના ઢગલામાં નીચે ક્યાંક ઝીણો તણખલો રહી ગયો હોવાનું અનુમાન છે. આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ પવનના કારણે આ તણખલો ફરી સક્રિય થયો અથવા કોઈએ નવો કચરો નાખતા આગે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પવનની ગતિ વધુ હોવાથી આગ ઝડપથી સૂકા બાવળો અને કચરામાં પ્રસરી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાંજે 7:00 વાગ્યા સુધી આગ પર કાબુ મેળવવાની કામગીરી સતત ચાલુ હતી. સદનસીબે આ આગ માત્ર કચરાના વિસ્તાર પૂરતી સીમિત હોવાથી આસપાસના કોઈ રહેણાંક વિસ્તારને નુકસાન થયું નથી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiNews #Shanala #FireBrigade #BreakingNews #GujaratNews #LiveUpdate #MorbiFire