ટ્રક પાછળ કારની ધડાકાભેર ટક્કર : અંબાજી દર્શન કરવા જતા દંપતિના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોક મોરબી : સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોપી હોટલ પાસે કાર કોઈ કારણોસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં મોરબીના પૂજારી એવા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, બપોરે 3:15 વાગ્યે કાર સાયલાથી ચોટીલા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત નડ્યો હતો. મૃતકોની ઓળખ મોરબીના શકત શનાળા સ્થિત શક્તિ માતાના મંદિરના પૂજારી રાહુલગીરી નૌતમગીરી ગોસ્વામી અને તેમના પત્ની વૈશાલીબેન રાહુલગીરી ગોસ્વામી તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કુરચો બોલી ગયો હતો અને દંપતીએ જીવ ગુમાવ્યો હતો. આ દંપતિ અંબાજી દર્શન કરવા જઈ રહ્યું હતું. તે વેળાએ આ દુઃખદ ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.