છેલ્લા 1 મહિનાથી હાથના ઓપરેશન અને ગાંઠની સારવાર માટે ધક્કા ખાધા, હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળ્યાની વ્યથા ઠાલવીમોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાસે વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે ભૂખ્યા લોકોને ભોજન કરાવવાનું પુણ્યશાળી કાર્ય કરતા સેવાભાવી બચુબાપા હાલ ખુદ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શારીરિક પીડાઓથી પીડાતા બચુબાપા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા છે, પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે છેલ્લા 1 મહિનાથી તેઓને માત્ર હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે.બચુબાપાએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, અગાઉ તેઓ એક આશ્રમમાં રહેતા હતા. ત્યાં માંદગી દરમિયાન યોગ્ય સારવાર ન મળતા અને અન્ય તકલીફો પડતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. હાલ તેમને હાથના ભાગે ફ્રેક્ચર હોવાથી પ્લેટ નાખવાનું અને શરીરમાં 2 ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરાવવાનું છે. આ સારવાર માટે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આશરે 1 માસથી ધક્કા ખાઈ રહ્યા છે. ડોક્ટરો દ્વારા તેમને 15 અને 22 જેવી અલગ-અલગ તારીખો આપવામાં આવી, પરંતુ ફાઈલ બની ગયા પછી પણ હજુ સુધી કોઈ જ ઓપરેશન કરવામાં આવ્યું નથી.તેઓએ વધુમાં જણાવ્યું કે, તેઓ સાવ એકલા છે અને તેમની સાથે કોઈ રહેવાવાળું કે મદદ કરવાવાળું નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર છાપરા નીચે તેઓ સુવા મજબૂર બન્યા છે અને અન્નક્ષેત્રમાં જમીને દિવસો પસાર કરી રહ્યા છે. તેઓએ લાચારી વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો છે કે એક બીમાર અને વૃદ્ધ માણસ આ રીતે કેટલા ધક્કા ખાઈ શકે? તંત્ર દ્વારા તેમને કોઈ જ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી.જે વ્યક્તિએ આખી જિંદગી નિઃસ્વાર્થ ભાવે મોરબીમાં અસંખ્ય લોકોની સેવા કરી છે, તેવા બચુબાપા આજે આરોગ્ય તંત્રની લાલિયાવાડીનો ભોગ બનીને દયનીય સ્થિતિમાં મુકાયા છે. તંત્ર વહેલી તકે આ સેવાભાવી વૃદ્ધની નોંધ લઈ તેમની સત્વરે યોગ્ય સારવાર કરાવે તે અત્યંત જરૂરી છે.#Morbi #MorbiUpdate #Bachubapa #RajkotCivilHospital #MorbiNews #GujaratNews #Healthcare #SocialWorker