મોરબી: માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કચ્છ-મોરબી હાઈવે પરથી એક હ્યુન્ડાઇ સેન્ટ્રો કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે કારની પાછળની સીટમાં બનાવેલા ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની 96 ઇંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કચ્છ તરફથી આવતી હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર (રજી નં- GJ-01-HM-0110) માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ-મોરબી હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી. પોલીસે 1,16,400 રૂપિયાની કિંમતનો દારૂ અને 1,00,000 રૂપિયાની કાર મળીને કુલ 2,16,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરેલા દારૂના મુદ્દામાલમાં નીચે મુજબની બોટલોનો સમાવેશ થાય છે:- બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રીમિયમ વ્હીસ્કીની 375 ml ની કાચની સીલપેક 24 બોટલો (કિંમત રૂ. 21,600). - બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રીમિયમ વ્હીસ્કીની 750 ml ની કાચની સીલપેક 24 બોટલો (કિંમત રૂ. 43,200). - સ્ટાર બ્લેન્ડર સિગ્નેચર વ્હીસ્કીની 375 ml ની કાચની સીલપેક 48 બોટલો (કિંમત રૂ. 51,600). આ મામલે પોલીસે ઘનશ્યામભાઈ ડાયાભાઈ પરમાર (ઉંમર વર્ષ 28, રહે. કીડીયાનગર, તા. રાપર, જી. કચ્છ) ની ધરપકડ કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેની વિરુદ્ધ અગાઉ પણ માળિયા મીંયાણા પોલીસ સ્ટેશન અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. આ કામગીરી માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. #Morbi #MorbiUpdate #MaliyaMiyana #GujaratPolice #CrimeNews #Prohibition #LiquorSeized #