જુના અને નવા ગ્રાહકો માટે અલગ-અલગ ભાવને બદલે સરખો ભાવ રાખવા સિરામિક એસોસિએશનના પ્રમુખની માગ મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ, જે ગેસના અભાવે છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં હતો, તેમાં હવે ગેસ સપ્લાય શરૂ થવાની સાથે જ એક નવો વિવાદ ઉભો થયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં કરવામાં આવેલી વિસંગતતાને કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાત ગેસ કંપનીએ સિરામિક ઉદ્યોગને ગેસ પૂરો પાડવાનું શરૂ કર્યું છે, પરંતુ કંપનીએ ગ્રાહકો માટે બે અલગ-અલગ ભાવ નિર્ધારિત કર્યા છે. જે ગ્રાહકો છેલ્લા 6 મહિનાથી નેચરલ ગેસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને 65 રૂપિયાની આસપાસના ભાવે ગેસ આપવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ, જે ઉદ્યોગકારો અત્યાર સુધી પ્રોપેન ગેસ વાપરતા હતા અને હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે પ્રોપેન ગેસની અછતને પગલે નેચરલ ગેસ તરફ વળ્યા છે, તેવા નવા ગ્રાહકોને 85 થી 90 રૂપિયા પ્રતિ યુનિટના ઊંચા ભાવે ગેસ આપવામાં આવી રહ્યો છે.મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'એક જ પ્રોડક્ટ બનાવવા માટે વપરાતા એક જ ગેસના બે અલગ-અલગ ભાવ હોવાથી બજારમાં સમાન સ્પર્ધા કરવી અત્યંત મુશ્કેલ બની જશે.' ઊંચા ભાવે ગેસ ખરીદનારા ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચ વધી જશે, જેની સીધી અસર તેમના વેપાર પર પડશે.આ પરિસ્થિતિને કારણે સિરામિક ઉદ્યોગકારો હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. એસોસિએશનની માગ છે કે સરકાર આ મામલે મધ્યસ્થી કરે અને તમામ ઉદ્યોગકારોને એક સમાન ભાવે અને સમાન જથ્થામાં ગેસ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે. તો જ મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરીથી ધમધમતો થઈ શકશે અને હાલની વિસંગતતાઓ દૂર થશે.#Morbi #CeramicIndustry #GujaratGas #GasPrices #MorbiCeramicAssociation #IndustrialNews #MorbiUpdate #GujaratNews