3 ફાયર ફાઈટરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો : કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા મોરબી : મોરબીમાં સામાકાંઠે આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક 3 જેટલા ફાયર ફાઈટરો સાથે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને 1 મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગની સતર્કતાથી સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે.મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પેલેસના મેનેજર દ્વારા સવારે 11:17 કલાકે આગ લાગી હોવાનો કોલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં 1 મિની ફાયર ફાઈટર રવાના કરાયું હતું. પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા એક્સિડન્ટના કારણે બેડરેસ્ટ પર હોવા છતાં ચીફ ફાયર ઓફિસર પોતે વોટર બાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બેકઅપ માટે અન્ય 1 મિની ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યું હતું. આમ, કુલ 3 ફાયર વ્હીકલ્સ અને ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, આગ પેલેસના 3જા માળે લાગી હતી. પવનની દિશા અને અંદર રહેલા એન્ટિક ફર્નિચર, સોફા અને પડદાના કારણે આગ ઝડપથી અંદરની તરફ ફેલાઈ હતી અને અંદાજે 2 થી 3 રૂમમાં નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં 3 જા માળે પાછળની તરફ 1 મહિલા ફસાઈ ગયા હતા, જેને ફાયર ફાઈટરોએ સીડી (લેડર) અને બી.એ. સેટ (બ્રીધિંગ એપરેટસ) નો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે નીચે ઉતારી જીવ બચાવ્યો હતો.હાલમાં આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જ્યાં સુધી સંપૂર્ણ ક્લિયરન્સ ન મળી જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે. કુલ કેટલી નુકસાની થઈ છે તેનો ચોક્કસ અંદાજ હજુ સુધી મળી શક્યો નથી.#Morbi #MorbiUpdate #NewPalaceFire #MorbiNews #FireBrigade #MorbiFire #MorbiSamakantha #Rescue