40થી 50 જેટલા લોકો પોર્ટ પર મજૂરી કામ કરવા જતાં હોય, મજૂર દીઠ રૂ.25નો હપ્તો માંગવામાં આવતો હોવાના આક્ષેપ મોરબી: માળિયા મિયાણા નજીક આવેલા નવલખી પોર્ટ પર મજૂરી કામ કરતા શ્રમિકો પાસે સ્થાનિક શખ્સો દ્વારા દાદાગીરીથી હપ્તો ઉઘરાવવામાં આવતો હોવાની રાવ સાથે નવી નવલખી ગામના 40થી 50 જેટલા મજૂરો હડતાલ ઉપર ઉતર્યા છે. આ અંગે ફિરોઝભાઈએ જણાવ્યું કે, નવી નવલખી ગામના આશરે 40 થી 50 જેટલા લોકો નવલખી પોર્ટ પર કોલસાનું લેવલિંગ કરવા માટે પાવડાથી મજૂરી કામ કરવા જાય છે. આ મજૂરો આખો દિવસ કાળી મજૂરી કરીને માંડ 400 થી 500 રૂપિયા કમાય છે. પરંતુ માળિયાના બે શખ્સો સાગરીતો સાથે આવીને મજૂરોને ધમકાવી રહ્યા છે. આ શખ્સો 4 દિવસ પહેલા 4 મોટરસાયકલ પર 8 જેટલા માણસોને લઈને આવ્યા હતા અને દરેક મજૂર દીઠ રોજના 25 રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી.વધુમાં તેઓએ કહ્યું કે મોંઘવારીના આ સમયમાં ખાદ્યતેલ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે માંડ ગુજરાન ચલાવતા મજૂરો આ રકમ આપવા સક્ષમ નથી. આ ત્રાસ અંગે મજૂરોએ માળિયા પોલીસના બીટ જમાદારને જાણ કરી હતી. 4 દિવસ વીતવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે કંટાળીને તમામ મજૂરોએ આજથી હડતાળ પાડીને કામ બંધ કરી દીધું છે. મજૂરોએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી આ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓની હડતાલ ચાલુ રહેશે.આ મામલે માળિયા પીઆઈએ જણાવ્યું કે હજુ સુધી આ મામલામાં કોઈ અરજી મળી નથી. આ મામલે યોગ્ય તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. #Morbi #MorbiUpdate #NavlakhiPort #Maliya #MorbiPolice #CrimeNews #LaborStrike #GujaratNews #MorbiNews