10મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 4000થી વધુ પુસ્તકોનો ખજાનો વાંચવા મળશે મોરબી : માતૃભાષા અભિયાન અંતર્ગત મોરબીમાં કાલે રવિવારે વાંચનપ્રેમીઓ માટે 87મું પુસ્તક પરબ યોજાવા જઈ રહ્યું છે. આ પુસ્તક પરબ પોતાના 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે લોકોમાં વાંચનનો વ્યાપ વધે અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 4000 થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ રહેશે.આગામી તારીખ 05/04/2026 ને રવિવારના રોજ સવારે 09:00 થી 11:30 વાગ્યા સુધી શનાળા રોડ પર આવેલા સરદાર બાગ ખાતે આ 87મા પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની વિશેષતા એ છે કે તેમાં એક ખાસ 'પુસ્તક પરિચય' સત્ર રાખવામાં આવ્યું છે. જેમાં સિનિયર પત્રકાર અને મોરબી અપડેટના સુપ્રીમો દિલિપભાઈ બરાસરા દ્વારા લેખક ઉત્પલ સાંડેસરા અને ટોમ વૂટન લિખિત 'ઝીલો રે મચ્છુનો પડકાર' પુસ્તક વિશે લોકોને વિસ્તૃત માહિતી અને પરિચય આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં દર મહિનાના પહેલા રવિવારે આ પુસ્તક પરબનું આયોજન થાય છે. આયોજકો દ્વારા તમામ નગરજનો અને વાંચનપ્રેમીઓને આ રવિવારે ખાસ પધારવા અને ઉપલબ્ધ પુસ્તકોમાંથી પોતાનું મનગમતું પુસ્તક વિનામૂલ્યે વાંચવા માટે લઈ જવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #PustakParab #MorbiNews #GujaratiBooks #Reading #MatrubhashaAbhiyan #SardarBaug #BookLovers