યાર્ડની બહાર ટ્રેક્ટર ઊભા રાખી ખેડૂતોએ ડાયરેક્ટ વેચાણ કર્યું, ખેડૂતોને મણે 30 રૂપિયા વધુ મળ્યા જ્યારે ગ્રાહકોને 100 રૂપિયા સસ્તા ઘઉં મળ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે વરસાદી વાતાવરણના કારણે ઘઉંની હરાજી મોટાભાગે બંધ રહી હતી. આ સ્થિતિમાં જે ખેડૂતો પોતાના ઘઉં ભરીને યાર્ડમાં આવ્યા હતા, તેમણે યાર્ડની બહાર ગ્રાઉન્ડમાં જ પોતાના ટ્રેક્ટર ઊભા રાખી દીધા હતા. શરૂઆતમાં 3 થી 4 લોકો ઘઉં લેવા આવ્યા, પરંતુ બાદમાં સીધા વેચાણની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. યાર્ડની બહાર ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો જ સોદો થતાં બંને પક્ષોને મોટો આર્થિક ફાયદો જોવા મળ્યો હતો.યાર્ડમાં સામાન્ય રીતે દલાલી અને અન્ય ચાર્જ લાગતા હોય છે, પરંતુ ડાયરેક્ટ ખરીદીના આ પ્રયોગમાં ખેડૂતોને હરાજી કરતા ઊંચો ભાવ મળ્યો હતો અને સામે ગ્રાહકોને બજાર કરતા ઘણા સસ્તા ભાવે ઘઉં મળી ગયા હતા. આમ આજે કમોસમી વરસાદના કારણે હરાજી બંધ રહેવાની આફત અમુક ખેડૂતો માટે અવસરમાં બદલાઈ ગઈ હતી. બીજી તરફ સારા ઘઉં બજારથી સસ્તામાં મળતા ગ્રાહકોએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો.ચાચાપર ગામના ખેડૂત જયેશભાઈ ગણેશભાઈ ફેફરે જણાવ્યું કે 'અમે હરાજીમાં 3 ટ્રેક્ટર લઈને આવ્યા હતા, જેમાં અંદાજે 550 થી 600 મણ ઘઉં હતા. હરાજી બંધ હોવાથી અમે બહાર ટ્રેક્ટર રાખ્યા અને અમારા બધા જ ઘઉં ડાયરેક્ટ વેચાઈ ગયા. જો હરાજીમાં વેચત તો અમને 470 થી 480 રૂપિયા આસપાસ ભાવ મળત, પરંતુ અહીં ગ્રાહકોએ ડાયરેક્ટ 500 રૂપિયાના ભાવે ખરીદી લીધા છે. બજાર કરતા અહીં છૂટકમાં વેચવાથી અમને મણે 20 થી 30 રૂપિયાનો સીધો ફાયદો થયો છે.'નવી પીપળી ગામના રીનાબેને જણાવ્યું કે 'અમે અહીં ખેડૂત પાસેથી ડાયરેક્ટ ઘઉં લેવા આવ્યા છીએ. માર્કેટમાં અને યાર્ડની અંદર અત્યારે સારા ઘઉંનો ભાવ 550 થી લઈને 700 રૂપિયા સુધી ચાલે છે. જ્યારે અહીં ખેડૂત પાસેથી ડાયરેક્ટ લેતા અમને 500 રૂપિયામાં સારા ઘઉં મળી ગયા છે. અમને 80 થી 100 રૂપિયાનો સીધો ફાયદો થયો છે. અમે 40 મણ ઘઉંની ખરીદી કરી છે. ખેડૂત પાસેથી સીધા જ ઘઉં લેવા એ ગ્રાહકો માટે વ્યાજબી અને ફાયદાકારક છે.'#MorbiUpdate #Morbi #Farmers #Agriculture #WheatMarket #DirectSelling #GujaratFarmers #MarketingYard #MonsoonImpact