બોસીયા અને ઝંઝવાડીયા પરિવારના યજમાનપદે યોજાયેલા કાર્યક્રમમાં સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ: તમામ સમાજે સાથે મળીને પ્રસાદ લીધો મોરબી : મોરબીના જેતપર ગામે હનુમાન જયંતી નિમિત્તે પુન:નિર્માણ પામેલ હનુમાનજી મંદિર ખાતે બોસીયા પરિવાર તેમજ ઝંઝવાડીયા પરિવારના યજમાનપદે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના રામજી મંદિરના ચોકમાંથી હનુમાનજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા બાદ મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો હતો.આ ધાર્મિક કાર્યક્રમમાં રામજી મંદિરના મહંત પ્રકાશ મહારાજ, મહાકાલેશ્વર શિવ મંદિરના મહંત બલરાજગીરી બાપુ, જડેશ્વર મંદિરના મહંત ભાણદાસ બાપુ, દુધઈ જગ્યાના મોહન ગુરુ કેશવદાસ બાપુ, હળવદ ગુરુ સેવાળદાસ બાપુ વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અનુસૂચિત જાતિ મોરચાના મોરબી જિલ્લા પ્રમુખ વિઠ્ઠલભાઈ ચાવડા અને પૂર્વ પ્રમુખ બાબુભાઈ પરમારે પણ હાજરી આપી હતી. બોસિયા અને ઝંઝવાડીયા પરિવાર દ્વારા સંતો, દાતાઓ અને ભુવાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સરપંચ જેઠાભાઈ બોસિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. જેતપર ગામના તમામ સમાજ આ શુભકાર્યમાં સહભાગી થયા હતા અને સાથે પ્રસાદ લીધો હતો, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગને સફળ બનાવવા હરેશભાઈ બોસિયા, અનુસૂચિત સમાજ યુવા ટીમ તેમજ ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે રાજેશભાઈ પરમારે જવાબદારી નિભાવી હતી.#Morbi #MorbiUpdate #Jetpar #HanumanJayanti #SamajikSamrasta