શેઢાની માપણી બાબતે તકરાર ચાલતી હોય સામે સામે આવી ગયાટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં ખેતર ધરાવતા બે શેઢા પાડોશીઓ શેઢાની માપણી બાબતે ચાલતી તકરારમાં સામસામે આવી ગયા બાદ બન્ને પક્ષે મારા મારી થતા એક બીજાને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં સામસામી ફરીયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને ખોડાપીપર જવાના રસ્તે વાડી ધરાવતા ફરિયાદી ભરતભાઇ પરસોત્તમભાઈ દેસાઈ ઉ.52એ આરોપી કનુભાઈ બચુભાઇ ગોલતર, બચુભાઇ લધાભાઈ ગોલતર અને આરોપી આયુષ કનુભાઈ ગોલતર વિરુદ્ધ શેઢાની માપણી બાબતે મનદુઃખમા જેમ ફાવે તેમ ગાળો આપી ઇકો કારમાં ધોકા લઈને આવી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે કનુભાઈ બચુભાઇ ગોલતરે આરોપી ભરતભાઇ પરસોત્તમભાઈ દેસાઈ, હેમરાજ પરસોત્તમભાઈ દેસાઈ અને ભરતભાઇના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર વાડીએ બળતણ કાપતો હોય આરોપીઓએ શેઢા તકરારનો ખાર રાખી ઢીકા પાટુનો માર મારી છરી બતાવી ટીશર્ટ ફાડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.