મોરબી: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વચ્ચે આજે મોરબીના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે આકાશમાં એકાએક વાદળો ઘેરાઈ આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે મોરબીવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત અનુભવાઈ હતી.હવામાન વિભાગની માહિતી મુજબ, હાલમાં સર્જાયેલા એક નવા સિસ્ટમ અને ભેજવાળા પવનોની અસરના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. મોરબી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ સુધી આવું મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે. બપોરના સમયે મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે, પરંતુ વચ્ચે-વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેવાથી સીધા તાપની અસર ઓછી વર્તાશે. જોકે, હાલમાં કોઈ કમોસમી વરસાદની સીધી આગાહી કરવામાં આવી નથી, છતાં લોકલ સિસ્ટમ સક્રિય થવાને કારણે છૂટાછવાયા છાંટા પડી શકે તેવી શક્યતાઓને નકારી શકાય નહિ.ખેડૂતોને પણ આ વાતાવરણના પલટાને લઈને સતર્ક રહેવા અને ખુલ્લામાં પડેલા પાકની જાળવણી માટે જરૂરી પગલાં લેવા સુચન કરાયું છે. બેવડી ઋતુ અને વાતાવરણમાં થતા આવા અચાનક ફેરફારથી રોગચાળો વકરવાની પણ શક્યતા હોવાથી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiWeather #WeatherChange #GujaratWeather #MorbiNews #IMDUpdate #CloudyWeather