સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો : સરકાર ગેસના ભાવમાં તથા વેટમાં રાહત આપે તેવી માંગમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં આજથી ગુજરાત ગેસે અસહ્ય ભાવ વધારો લાગુ કર્યો છે. જે ભાવ સિરામિક ઉદ્યોગોને કોઈ કાળે પરવડે તેમ નથી. જેના પગલે વોલ ટાઇલ્સના ૧૬૧ યુનિટમાં શટ ડાઉન લંબાવીને ૧ મે સુધીનું જાહેર કરી દેવાયુ છે. ત્યાં સુધીમાં ગેસના ભાવમાં રાહત મળે તો ઉદ્યોગો ચાલુ થઈ શકશે. મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે સિરામિક ઉદ્યોગની વર્તમાન કફોડી સ્થિતિ અંગે વિગતો આપતા કહ્યું કે સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના સભ્યોની મળેલી જનરલ મીટિંગમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલની પરિસ્થિતિમાં અને ગેસના આટલા ઊંચા ભાવ સાથે ફેક્ટરીઓ ચલાવવી શક્ય ન હોવાથી, તમામ ૧૬૧ યુનિટ્સ આગામી ૧ મે સુધી ઉત્પાદન બંધ રાખશે.અગાઉ ફેબ્રુઆરી માસમાં ગુજરાત ગેસમાં આશરે ૨૦ લાખ ક્યુબિક મીટર જેટલું કન્ઝપ્શન હતું અને ૨૦૦ જેટલા યુનિટ્સ ચાલતા હતા, જ્યારે બાકીના પ્રોપેન અને એલપીજી પર નિર્ભર હતા. હાલમાં પ્રોપેન અને એલપીજીનો સપ્લાય સંપૂર્ણપણે બંધ છે અને લાંબા સમય સુધી મળવાની કોઈ શક્યતા પણ દેખાતી નથી. બીજી તરફ ગુજરાત ગેસના ભાવ જે પહેલા રૂ. ૪૧.૫૦ હતા, તે હાલ ૯૨ રૂપિયા થઈ ગયા છે. ડોલરના વધતા ભાવ (૯૩-૯૪ રૂપિયાના કેલ્ક્યુલેશન) અને ટેક્સ સાથે ગણતરી કરીએ તો ઉદ્યોગકારોને આ ગેસ ૧૦૫ રૂપિયામાં પડે છે. આટલા ઊંચા ભાવના કારણે હાલ માત્ર ૧૩ જેટલા સિરામિક અને બાકીના સેનિટરી મળી ૪૦ જેટલા યુનિટ્સ જ માંડ ચાલી રહ્યા છે.એક્સપોર્ટ માર્કેટમાં ચીન સામે ટકવું મુશ્કેલ, GCC દેશોનું માર્કેટ તૂટ્યુંવર્તમાન યુદ્ધની સ્થિતિ અને મંદીના કારણે સિરામિક ઉદ્યોગને ટૂંકા અને લાંબા ગાળાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ આપણે GCC (ગલ્ફ) કન્ટ્રીઝમાં ૨૫ ટકા જેટલું એક્સપોર્ટ કરતા હતા, જેમાં આગામી બે વર્ષ સુધી કોઈ શક્યતા દેખાતી નથી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આપણો સીધો હરીફ દેશ ચીન છે. આપણી પ્રોડક્શન કોસ્ટ એટલો વધી ગયો છે કે તેની સામે એક્સપોર્ટમાં ટકી રહેવું અશક્ય બની ગયું છે.ઉદ્યોગકારો અને શ્રમિકોની હાલત કફોડીફેક્ટરીઓ બંધ હોવા છતાં ઉદ્યોગકારોને બેંકની લોનના હપ્તા, સોલાર પ્લાન્ટ માટે લીધેલી લોનના હપ્તા અને શ્રમિકોના પ્રશ્નો સતાવી રહ્યા છે. અગાઉ ૨૫ દિવસના શટડાઉન દરમિયાન ડિસ્પેચ અને મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાથી ૫૦ ટકા શ્રમિકો ફેક્ટરીએ આવતા હતા. પરંતુ હવે મોટાભાગની ફેક્ટરીઓમાં મેન્ટેનન્સ પૂર્ણ થઈ ગયું હોવાથી, આગામી એક મહિનાના શટડાઉનમાં મોટાભાગના શ્રમિકો અને કારીગરો બેરોજગાર બનશે અને તેમને ઘરે બેસવાનો વારો આવશે. જો માંગ ન હોય અને અત્યારે પ્લાન્ટ ચાલુ કરવામાં આવે તો એક મહિના પછી ફરી શટડાઉન લેવું પડે તેમ છે, જેથી કામદારો ફરી રઝળી પડે. આથી ભાવ ન ઘટે ત્યાં સુધી બંધ પાળવાનો જ નિર્ણય લેવાયો છે.સરકાર અને ગુજરાત ગેસ સાથે વાટાઘાટો ચાલુઆ ગંભીર સમસ્યા અંગે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ અને ગુજરાત સરકાર સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ઉદ્યોગકારોની મુખ્ય માંગ છે કે સરકાર ગેસના ભાવ ઘટાડે અને વેટ (VAT) માં રાહત આપે. જો સરકાર દ્વારા આ રાહત આપવામાં આવશે અને ભાવ કાબુમાં આવશે, તો ૧ મે થી ફરીથી પ્રોડક્શન ચાલુ કરવાનો વિચાર કરવામાં આવશે. સરકાર પણ સસ્તો ગેસ પૂરો પાડવા અને ઉદ્યોગને બચાવવા પ્રયત્નશીલ હોવાનું જણાવાયું છે.#MorbiUpdate #MorbiCeramic #WallTiles #GujaratGas #PriceHike #MorbiNews #CeramicIndustry #GujaratGovernment #MorbiCeramicAssociation