મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો : આજે સવારે 11.30 વાગ્યે નીકળશે અંતિમયાત્રા મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું 58 વર્ષની વયે હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થતા સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ સુધી પહોંચનારા કિશોરભાઈની જીવન સફર અને રાજકીય કારકિર્દી સંઘર્ષ અને સેવાથી ભરેલી રહી છે.સંઘર્ષમય શરૂઆત: સરવડથી મોરબી સુધીની સફરમૂળ માળિયા મિયાણાના સરવડ ગામના વતની કિશોરભાઈ અંદાજે 32 વર્ષ પહેલાં મોરબી આવ્યા હતા. જીવનના શરૂઆતના તબક્કે તેમણે મોરબીમાં સિંગની દુકાન શરૂ કરી હતી, જે આજે પણ કાર્યરત છે. વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ સાધીને તેઓ સિરામિક ઉદ્યોગમાં પણ ભાગીદાર બન્યા હતા. તેઓ ત્રણ ભાઈઓ હતા અને પરિવારમાં તેમને એક દીકરો તથા એક દીકરી છે.2010માં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયાકિશોરભાઈની મુખ્ય રાજકીય સફર વર્ષ 2010 થી શરૂ થઈ હતી. જ્યારે મોરબી જિલ્લો રાજકોટનો ભાગ હતો, ત્યારે તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2013 માં જ્યારે મોરબી અલગ જિલ્લો બન્યો અને નવી જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવી, ત્યારે કિશોરભાઈની સક્રિયતાને ધ્યાને રાખી તેમને જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.જિલ્લા પંચાયત પ્રમુખ સુધીની મજલવર્ષ 2015 માં યોજાયેલી મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ ફરી વિજેતા બન્યા હતા. આ ટર્મ દરમિયાન તેમણે 2.5 વર્ષ કારોબારી ચેરમેન તરીકે અને ત્યારબાદ 2.5 વર્ષ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. સંગઠન પર મજબૂત પકડ ધરાવતા કિશોરભાઈ હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમની સરળતા અને કાર્યકરો સાથેનો સીધો સંપર્ક તેમને અન્ય નેતાઓથી અલગ પાડતો હતો. આજે સવારે નીકળશે અંતિમયાત્રાકિશોરભાઈ ચીખલીયાની સ્મશાન યાત્રા તારીખ 31/3/2026, મંગળવારના રોજ સવારે 11:30 વાગ્યે તેમના નિવાસસ્થાન 'વ્રજવાટીકા', રવાપર રોડ, મોરબી ખાતેથી નીકળશે.#Morbi #MorbiUpdate #KishorbhaiChikhliya #Congress #MorbiNews #GujaratPolitics #Obituary #MorbiDistrictPanchayat