ગેસના ભાવ રૂ.85 થવાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીન સાથે હરીફાઈ કરવી મુશ્કેલ બનશે, ડોમેસ્ટિક માર્કેટમાં માત્ર ઓર્ડર મળે તો જ ઉત્પાદન કરવાની નોબત આવી શકેમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં એપ્રિલ મહિનાથી સીધો ડબલ વધારો થવા જઈ રહ્યો છે, ત્યારે આ તોતિંગ ભાવ વધારાની સીધી અને ગંભીર અસરો ઉદ્યોગ પર તોળાવાની છે. આ અસહ્ય ભાવ વધારાને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગકારો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે અને ઉદ્યોગના ભવિષ્ય પર મોટું સંકટ ઊભું થયું છે. યુદ્ધની સ્થિતિના કારણે ગેસની અછત સર્જાતા મોટાભાગના સિરામિક એકમો શટ ડાઉન છે. પણ 70 જેટલા સિરામિક યુનિટોમાં ગુજરાત ગેસની સપ્લાય ચાલુ છે. ગુજરાત ગેસના માર્ચ મહિનાના ભાવ માળખા મુજબ, જો ઉદ્યોગો 50% સુધીનો વપરાશ કરે તો તેમને 41 રૂપિયા પ્લસ ટેક્સના ભાવે ગેસ પૂરો પાડવામાં આવતો હતો. જ્યારે છેલ્લા 6 મહિનાના કન્ઝપ્શન પ્રમાણે 50 થી 80% વચ્ચેના વપરાશ પર 63 રૂપિયાનો ભાવ લેવામાં આવ્યો હતો. પણ હવે એપ્રિલ મહિનાથી ગેસના ભાવમાં સીધો જ ડબલ જેટલો ભાવ વધારો કરી ગુજરાત ગેસ દ્વારા નવો ઇન્ડિકેટિવ ભાવ રૂ. 85 પ્લસ ટેક્સ આપવામાં આવ્યો છે. આ નવો ભાવ હવેથી કુલ વપરાશ પર લાગુ પડશે. સિરામિક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે, ગેસના આ નવા અને ડબલ ભાવથી ઉદ્યોગને ઇન્ટરનેશનલ માર્કેટમાં નિકાસ કરવી લગભગ અશક્ય બની જશે. વૈશ્વિક બજારમાં મોરબીના સિરામિક ઉદ્યોગની સીધી હરીફાઈ ચીન સાથે છે. જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે તો પ્રોડક્શન કોસ્ટ એટલી વધી જશે કે ચીન સામેની હરીફાઈમાં ટાઇલ્સના ભાવ વધારા સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકી રહેવું અત્યંત મુશ્કેલ બની જશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોરબીની પ્રોડક્ટ્સને સ્પર્ધાત્મક બનાવી રાખવા માટે ઉત્પાદકોએ અત્યાર સુધી પાતળા માર્જિનથી કામ કર્યું છે, પરંતુ ગેસના ભાવ બમણા થતાં હવે નુકસાની ટાળવા માટે ફરજિયાતપણે ટાઇલ્સના ભાવમાં અંદાજિત 80 સેન્ટ (67 રૂપિયા) પ્રતિ સ્કવેર મીટર જેટલો જંગી વધારો લાવવો પડશે. આટલો મોટો ભાવ વધારો ઇન્ટરનેશનલ બાયર્સ સ્વીકારે તેવી શક્યતા નહિવત છે, જેના કારણે એક્સપોર્ટના ઓર્ડર ખોરવાઈ જવાની ભીતિ છે.માત્ર ઇન્ટરનેશનલ માર્કેટ જ નહીં, પરંતુ ડોમેસ્ટિક માર્કેટમાં પણ આની માઠી અસર જોવા મળશે. પડતર કિંમત ઊંચી જવાના કારણે ઉત્પાદકો માટે અગાઉથી માલ બનાવીને ગોડાઉનમાં સ્ટોક કરવો આર્થિક રીતે જોખમી બની જશે. ઉદ્યોગકારોના મતે, આગામી દિવસોમાં એવી નોબત આવશે કે ડોમેસ્ટિક માર્કેટમાં પણ જ્યારે વેપારીઓ તરફથી કન્ફર્મ ઓર્ડર મળે, તેના ઉપર જ ફેક્ટરીઓ ચાલુ કરીને ઉત્પાદન કરવું પડશે. આમ, ગેસનો આ ભાવ વધારો મોરબીના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સિરામિક ઉદ્યોગ માટે મરણતોલ સાબિત થશે તેવી ઉદ્યોગકારો ભીતિ સેવી રહ્યા છે.ગેસના ભાવ વધારા અને શિપિંગના તોતિંગ ભાડાથી એક્સપોર્ટ માર્કેટ પર મોટું જોખમ : નિલેશભાઈ જેતપરિયા કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ગેસના આ નવા ભાવથી ટાઈલ્સમાં પ્રતિ સ્ક્વેર મીટર 80 સેન્ટનો વધારો લાવવો પડે તેવો અંદાજ છે. બીજી તરફ, જો શિપિંગ ભાડા પણ વધેલા રહેશે તો એક્સપોર્ટનું માર્કેટ અશક્ય બની જશે. આ સંજોગોમાં હવે સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે સરકાર દ્વારા ગેસ સસ્તો કરી આપવો પડશે. જો આમ નહીં થાય તો સિરામિક ઉદ્યોગનું માર્કેટ છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. જેથી ઉદ્યોગને ટકી રહેવું અઘરું બનશે.ઈન્ટરનેશન માર્કેટમાં ચાઈના સામે ઉભા પણ નહીં રહી શકાય : મનોજભાઈ એરવાડીયાઆ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે ગેસના નવા ભાવમાં એકમ ચલાવવું અશક્ય જેવું છે. જો ગેસના આ ભાવ રહે તો ટાઈલ્સના ભાવમાં મોટો વધારો કરવો પડશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વધેલા ભાવ લઈને ચાઇના સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઊભા પણ રહી શકાય તેમ નથી.માત્ર ઇમરજન્સી ઓર્ડર ઉપર જ ઉત્પાદન કરી શકાશે તેવી સ્થિતિ સર્જાશે : નરેન્દ્રભાઈ સંઘાત સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે, ગેસના આ ઊંચા ભાવની સ્થિતિ દરમિયાન માત્ર ઇમરજન્સી ઓર્ડર ઉપર જ ઉત્પાદન કરી શકાય તેમ છે. આ ભાવ ઉપર લાંબા સમય માટે સપ્લાય કરી શકાય તેમ નથી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ગ્રાહકો ચાઇના તરફ ડાયવર્ટ થઈ શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગલ્ફ દેશોમાં 25% જેટલું એક્સપોર્ટ છે જે યુદ્ધના કારણે હાલ બંધ હાલતમાં છે. આવા કપરા સમયે ગેસના ભાવ વધવાથી બીજા દેશોમાં થતી નિકાસ ઉપર પણ મોટી અસર થઈ શકે તેમ છે.#MorbiUpdate #MorbiCeramic #CeramicIndustry #CeramicAssociation #GasPrice #ChinaCompetition #ExportMarket #MorbiNews