મોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૨ માં આવતા અતિ પછાત વિસ્તારના રહીશોએ ઘરવેરાના બીલમાં લગાવવામાં આવેલ ભારે વ્યાજ માફ કરવા માટે કમિશનરને લેખિત રજૂઆત કરી છે.વિજયનગર, રોહીદાસ પરાના રહેવાસી રાજુ કે. ચાવડા અને અન્ય સ્થાનિકોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અગાઉ જ્યારે આ વિસ્તાર નગરપાલિકા હેઠળ આવતો હતો ત્યારે ઘરવેરા અંગે સ્થાનિકોને કોઈ જાણ, બીલ કે નોટીસ આપવામાં આવી ન હતી. કોઈ માહિતી ન હોવાથી સમયસર વેરો ભરી શકાયો ન હતો. હવે મહાનગરપાલિકા બન્યા બાદ રહીશોને એકસાથે ઘણા વર્ષોના બીલ આપવામાં આવ્યા છે, જેમાં મૂળ વેરા ઉપરાંત ભારે વ્યાજ ઉમેરવામાં આવ્યું છે.સ્થાનિકો આર્થિક રીતે નબળા અને અતિ પછાત વર્ગના હોવાથી આટલી મોટી રકમ વ્યાજ સાથે ભરવી તેમના માટે અત્યંત મુશ્કેલ છે. આથી, તેઓએ માંગ કરી છે કે ઘરવેરા પર લાગુ કરાયેલું વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને માત્ર મૂળ વેરાની જ વસૂલાત કરવામાં આવે. આ સાથે જ અતિ પછાત વિસ્તારો માટે વિશેષ રાહત યોજના જાહેર કરવાની પણ અપીલ કરવામાં આવી છે. રહીશોએ એમ પણ જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના પાણીની મૂળભૂત સુવિધા પણ મળી નથી, જેથી જેનો લાભ જ નથી મળ્યો તેવો પાણી વેરો પણ બીલમાંથી બાદ કરવામાં આવે. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMahanagarpalika #TaxRelief #WardNo2 #HouseTax