વરડુસર માતાજીના દર્શને જતા દંપતીને નર્સરી ચોકડી પાસે અકસ્માત નડ્યો, પત્નીને પણ ઇજામોરબી : વાંકાનેર નજીક કારે અડફેટે લેતા બાઇક સવાર ૭૦ વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં તેમની પત્નીને પણ ઇજાઓ પહોંચી હતી. આ મામલે ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં મામલતદાર કચેરી પાછળ પંચશીલ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય પરબતભાઇ જેહાભાઇ લામકાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફોર વ્હીલ કાર (રજી. નં. જી.જે-૦૩-એમ.આર-૪૮૨૭) ના ચાલક સામે પોતાના ૭૦ વર્ષીય પિતા જેહાભાઇ નાજાભાઇ લામકાને હડફેટે લઈ મોત નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે.ગત તારીખ ૨૭/૦૩/૨૦૨૬ ના રોજ સવારના નવ-સાડા નવેક વાગ્યાના અરસામાં મરણજનાર જેહાભાઇ અને તેમના પત્ની રખુબેન પોતાના હવાલાવાળું મોટરસાયકલ (રજી. નં. જી.જે.-૦૩-બીજે-૮૩૨૫) લઈને વરડુસર માતાજીના દર્શને જઈ રહ્યા હતા. તે સમયે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર નર્સરી ચોકડી સામે પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે આવતી કારના ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધ જેહાભાઈને માથાના ભાગે તથા બંને પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે રખુબેનને પણ શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ-બી) તથા એમ.વી. એક્ટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જનકસિંહ બટુકસિંહ પરમાર ચલાવી રહ્યા છે.#Wankaner #WankanerNews #AccidentNews #MorbiPolice #MorbiUpdate #GujaratNews