યુદ્ધ પહેલા ગેસનો ભાવ રૂ.41 હતો, હવે એપ્રિલથી ટોટલ કન્ઝપ્સન ઉપર ભાવ રૂ.85 કરાશે : ઉદ્યોગકારો ચિંતામાંમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ એટલે કે સીધો ડબલ વધારો આવવાનો છે. જો કે અત્યારે મોટાભાગના સિરામિક એકમો બંધ છે. પણ 70 જેટલા સિરામિક યુનિટોમાં ગુજરાત ગેસની સપ્લાય ચાલુ છે. ઉપરાંત મોટાભાગના સિરામિક એકમો આગામી માસથી ગુજરાત ગેસ તરફ વળવાનું આયોજન કરી રહ્યા હતા. તેઓ આ સીધા ડબલ ભાવ વધારાથી ચિંતામાં મુકાઈ ગયા છે. ગુજરાત ગેસના માર્ચ મહિનાના ભાવ માળખા મુજબ, જો ઉદ્યોગો 50% સુધીનો વપરાશ કરે તો તેમને 41 રૂપિયા પ્લસ ટેક્સના ભાવે ગેસ પૂરો પાડવામાં આવતો હતો. જ્યારે છેલ્લા 6 મહિનાના કન્ઝપ્શન પ્રમાણે 50 થી 80% વચ્ચેના વપરાશ પર 63 રૂપિયાનો ભાવ લેવામાં આવ્યો હતો.પણ હવે એપ્રિલ મહિનાથી ગેસના ભાવમાં સીધો જ ડબલ જેટલો ભાવ વધારો કરી ગુજરાત ગેસ દ્વારા નવો ઇન્ડિકેટિવ ભાવ રૂ. 85 પ્લસ ટેક્સ આપવામાં આવ્યો છે. આ નવો ભાવ હવેથી કુલ વપરાશ પર લાગુ પડશે, કારણ કે કંપનીને નવો માલ નવા ભાવે જ મળી રહ્યો છે. આ ભાવ લાગુ કરવાનું મુખ્ય કારણ મોરબીમાંથી આવતી 70 લાખ કયુબીક મીટર ગેસની અધધ ડિમાન્ડ છે. હાલમાં પ્રોપેન ગેસ ઉપલબ્ધ ન હોવાથી પ્રોપેન વાપરતા ઉદ્યોગો પણ નેચરલ ગેસ તરફ વળવાનું આયોજન કરી રહ્યા છે, જેના કારણે માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિમાં પણ 70 જેટલા સિરામિક એકમો કાર્યરત છે. તેઓને હાલ ગુજરાત ગેસ આપવામાં આવી રહ્યો છે.સિરામિક ઉદ્યોગોને MGO માટેની અરજી કરવાનું ટાળવાના મેસેજ વાયરલસૂત્રોના જણાવ્યા અનુસાર સિરામિક એસોસિએશનની મિટિંગમાં દરેક ઉદ્યોગકારોને ગુજરાત ગેસના MGO માટે અરજી ન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એસોસિએશન કમિટી દ્વારા ગેસના ભાવ ઘટાડવા અને ગેસ ઉપરનો વેટ દૂર કરવા સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં આ મામલે સરકારમાં રજુઆત પણ કરવામાં આવશે. જોકે આ બાબતે સિરામિક એસોસિએશન દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.3 એકમો અદાણીનો ગેસના ગ્રાહકો, તેનો ભાવ ગુજરાત ગેસથી ઓછોઅદાણી ગેસના અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી ગેસ માંડલ રોડ પર આવેલા બે સિરામિક એકમો અને મૂળીમાં આવેલ એક સિરામિક એકમમાં ગેસ પૂરો પાડે છે. તેમાંથી હાલ બે ફેકટરીમાં સપ્લાય બંધ છે. હાલ એક ફેકટરીમાં જ સપ્લાય ચાલુ છે. અદાણી ગેસનો હાલનો ભાવ 50 પ્લસ ટેક્સ છે. ગુજરાત ગેસની જેમ જ અદાણી ગેસે પણ પોતાના સપ્લાયમાં કાપ મૂક્યો છે. કંપની દ્વારા સપ્લાયમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે અને હાલ કરાર ઉપર 70 ટકા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.યુદ્ધના કારણે ગેસના ભાવ ડબલ થઈ જતા સિરામિક ઉદ્યોગ માટે મોટો પડકાર, ટાઇલ્સના ભાવમાં પણ તોતિંગ વધારો થવાની શકયતાયુદ્ધના કારણે ગેસની સપ્લાય ચેન પર જોખમ આવતા મોરબી સિરામિક ઉદ્યોગને ઇંધણ તરીકે નેચરલ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રથમ ગેસ પુરવઠામાં કાપ મૂકતા મોરબી સિરામિક ઉદ્યોગને એક મહિનાનું શટડાઉન કરવાની ફરજ પડી છે. અને હવે પ્રોપેન સહિતના અન્ય ગેસની પણ સપ્લાય ચેન ખોરવાતા ગુજરાત ગેસ એક જ વિકલ્ય રહ્યો છે. ત્યારે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં સીધો જ ડબલ તોતિંગ ભાવ વધારો કરતા મોરબી સિરામિક ઉદ્યોગ માટે મોટો પડકાર અને ચિંતા સર્જાઈ છે. આ ભાવ વધારાના કારણે ટાઇલ્સની પડતર કોસ્ટમાં જબરો વધારો આવશે. જે મોરબી સિરામિક ઉધોગ માટે મોટો પડકાર સાબિત થશે. હાલના મંદી અને પડકાર જનક ડોમેસ્ટિક અને વૈશ્વિક માર્કેટમાં આ ભાવ વધારો મોરબીના સિરામિક ઉદ્યોગો માટે મરણતોલ સાબિત થઈ શકે તેવી ભીતિ છે.#MorbiUpdate #MorbiNews #CeramicIndustry #GujaratGas #AdaniGas #MorbiCeramic #GasPrice