મોરબી: મોરબી તાલુકાની ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં તારીખ 28-03-2026 ને શનિવારના રોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો, વાલીઓ અને શાળા પરિવારની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આમંત્રણને માન આપીને ખાનપર ગામના સરપંચ લીંબડ દિલીપભાઈ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ, SMC અધ્યક્ષ અમૃતિયા નરેન્દ્રભાઈ, શિક્ષણ પ્રેમી રૈયાણી શૈલેષભાઈ તથા જાગૃત વાલીઓ ખાસ હાજર રહ્યા હતા.વિદાય સમારોહમાં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય ગીત અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા વર્ષોના સંસ્મરણો વાગોળી પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ગામના સરપંચ, રૈયાણી શૈલેષભાઈ તથા શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય અને આગળના અભ્યાસ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન રૂપે વિદાયપત્ર તથા ડોક્યુમેન્ટ સાચવવા માટે ફોલ્ડર ફાઈલ ભેટ આપવામાં આવી હતી. સામે પક્ષે ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ પણ શાળાને યાદગાર ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમના અંતે સરપંચ અને ઉપસરપંચ તરફથી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક ચિકાણી રમણીકલાલ ડી. દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્ય સાવરિયા ઈશ્વરલાલ કલાભાઈએ શિક્ષક ચિકાણી રમણીકલાલ, ગોસાઈ રોહિતભાઈ, દેવમુરારી હીનાબેન, રાજપરા ભગવતીબેન, ડૉ. જલ્પાબેન ફુલતરિયા, દલસાણિયા મિનાક્ષીબેન, સરડવા ભૂમિકાબેન તથા વિરડા ભાવનાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #KhanparSchool #FarewellFunction #Education #MorbiUpdate #StudentFarewell #GujaratEducation