કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા મેજીસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા આદેશ: મુસાફરોની વિગતો સોફ્ટવેરમાં અપલોડ ન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ થશે કાર્યવાહીમોરબી : મોરબી જિલ્લામાં ઔદ્યોગિક ગતિવિધિઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે દેશ-વિદેશથી વેપારીઓ અને પ્રવાસીઓની સતત અવરજવર રહે છે. આ સ્થિતિમાં સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સુરક્ષા અંગે સચોટ માહિતી મળી રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લાના તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ ‘પથિક’ સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.આ જાહેરનામાની અમલવારી અંતર્ગત હોટલ કે ગેસ્ટ હાઉસમાં આવતા તમામ દેશી-વિદેશી મુસાફરોની વિગતો સંચાલકોએ પથિક સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે. આ માટે સંચાલકોએ મોરબી પોલીસ અધીક્ષકની કચેરી (શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ, ત્રીજો માળ, રૂમ નં. ૨૦૬, એસ.ઓ.જી. શાખા) ખાતેથી પોતાની હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈ-ડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે.‘પથિક’ (PATHIK - Programme for Analysis of Travellers and Hotel Informatics) સોફ્ટવેર એક સિક્યોર વેબ પોર્ટલ છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાતા યુઝરનેમ અને પાસવર્ડની મદદથી ગ્રાહકોની એન્ટ્રી કરી શકાય છે. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કોઈએ રૂબરૂ જવાની જરૂર રહેતી નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન થતાં જ ગ્રાહકોની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે મળી જાય છે, જેનાથી ગુનાઓ અટકાવવામાં અને ડીટેકશન કરવામાં પોલીસને મોટી મદદ મળે છે. આ પ્રતિબંધાત્મક જાહેરનામું ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. જો કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસ સંચાલક આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.#MorbiUpdate #Morbi #MorbiPolice #PathikSoftware #HotelRegistration #MorbiNews #LawAndOrder #GujaratPolice