અધૂરા સર્વિસ રોડ અને ખુલ્લા સળિયાથી મોટા અકસ્માતનો ભય : રોજના ૪-૫ વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ પણ બની રહી છેમોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે શહેરના પ્રથમ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા દોઢ-પોણા બે વર્ષથી આ કામગીરી ચાલુ હોવા છતાં હજુ સુધી ૫૦ ટકા કામ પણ પૂર્ણ થઈ શક્યું નથી. આ ગોકળગાય ગતિની કામગીરી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે શહેરીજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર અગાઉ પણ કુંડીઓના ઢાંકણા ઉપર રખાયા હતા, જેના કારણે વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ બની હતી. થોડા સમયના રિપેરિંગ બાદ ફરીથી આ ઢાંકણાઓ ઉપરની તરફ રહેતા વાહનો માંડ માંડ બચી રહ્યા છે. લોખંડની એંગલ કે કડમાં ટાયર આવવાથી ટાયર ફાટી જવાના બનાવો બની રહ્યા છે. આ ઉપરાંત, ખાડા ખોદીને પ્લિન્થ ભરવામાં આવી છે ત્યાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. આ બહાર દેખાતા સળિયાઓને કારણે બાઇક અને ફોર-વ્હીલર સહિતના વાહનોના ટાયર તૂટવાના કે ફાટવાના રોજના ૪ થી ૫ બનાવો બને છે.બ્રિજના કામ દરમિયાન બન્ને બાજુના સર્વિસ રોડ યોગ્ય બનાવવાના હોય છે, પરંતુ અહીં સર્વિસ રોડ ચાલવા યોગ્ય બનાવવામાં આવ્યા નથી. મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધીના રસ્તા પર પણ સર્વિસ રોડની સ્થિતિ ખરાબ છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે. લોકોની માંગ છે કે આ પ્રકારની વેઠ ઉતારતી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. વાહનચાલકો સરળતાથી અને સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે સર્વિસ રોડને તાત્કાલિક ધોરણે ચાલવા યોગ્ય બનાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiOverbridge #TrafficIssue #MorbiCity #Gujarat