કેન્સરને મ્હાત આપી મોરબી પરત ફરેલા કાંતિલાલ અમૃતિયાની ભવ્ય સ્વાગત રેલી યોજાઈ, ત્યારબાદ તેઓએ વિશાળ સભા પણ સંબોધી મોરબી : કેન્સરની સારવાર બાદ સાજા થઈને મોરબી પરત ફરેલા કાંતિલાલ અમૃતિયાનું સન્માન કરવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન રેલીની શરૂઆત ઉમા ટાઉનશીપ ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતી કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ આ રેલી દરબારગઢથી શરૂ થઈને ગ્રીન ચોક, નહેરુ ગેટ, રવાપર રોડ થઈને બાપા સીતારામ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં એક મહાસભા યોજાઈ હતી. રસ્તામાં ઠેર-ઠેર લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સભામાં પાટીદાર સમાજના અગ્રણીઓ, સિરામિક એસોસિએશનના પ્રમુખો અને પૂર્વ પ્રમુખો, જીતુભાઈ સોમાણી, જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે તેમજ શહેર ભાજપની ટીમ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ વેળાએ કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી તેઓ મોરબી આવી શક્યા ન હતા તેનું તેમને દુઃખ હતું, પરંતુ આજે તમામ સમાજ અને કાર્યકર્તાઓનો પ્રેમ જોઈને તેમનો જુસ્સો 10 ગણો વધી ગયો છે. તેમણે જણાવ્યું કે સરકારે મોરબીને કોર્પોરેશન આપ્યું છે અને બજેટ 700 કરોડથી વધારીને 1150 કરોડ કરવામાં આવ્યું છે. 700 કરોડના 50% જેટલા વિકાસના કામો ચાલુ થઈ ગયા છે. ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ વિકાસના કામો ન અટકે તે માટે આગામી તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા તેમણે આહ્વાન કર્યું હતું, જેથી પ્રજા કે ઉદ્યોગપતિઓને હેરાન ન થવું પડે.લુખ્ખા તત્વોને કડક ચેતવણી આપતા તેમણે કહ્યું કે છેલ્લા બે મહિનામાં સોશિયલ મીડિયામાં તેમણે જોયું છે કે રાત્રે ગાડીઓના કાચ ફોડવા, વેપારીઓ પર છરીના ઘા કરવા કે સામાન્ય માણસને માર મારવા જેવી ઘટનાઓ બની છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસ પોતાનું કામ કરશે જ, પરંતુ હવેથી તેઓ પોતે પણ અઠવાડિયામાં એકવાર રાઉન્ડ મારશે. જો ક્યાંય પણ ગેરરીતિ દેખાશે તો તેઓ આકરા પગલાં લેશે અને ભાજપની ઇમેજ ખરાબ થવા દેશે નહીં. મોરબીમાં કોઈની દાદાગીરી સાંખી લેવામાં આવશે નહીં. જે કોઈ દાદાગીરી કરતું હોય કે છેડતી કરતું હોય તેની હવા કાઢી નાખવાની છૂટ છે. વધુમાં, લોકોના પ્રશ્નો ઉકેલવા પોલીસ વિભાગ સાથે મળીને લોકદરબાર યોજવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયા પર આવે તો સીધા તેમના ફોન પર મોકલી આપવા.કેન્સરના દર્દીઓને હિંમત આપતા કાંતિલાલ અમૃતિયાએ પોતાનો અનુભવ શેર કર્યો હતો કે તેમને મગફળીના દાણા જેવડી ગાંઠ હતી જે બાદમાં મોબાઈલ જેવડી મોટી થઈ ગઈ હતી. તેમનું 7 કલાક સુધી મેજર ઓપરેશન ચાલ્યું હતું જેમાં 7 કાણા પાડવામાં આવ્યા હતા. તેમણે દર્દીઓને સંદેશ આપ્યો કે જો 50% જુસ્સો અને મોરલ ઊંચું હશે, તો કોઈપણ બીમારી મટી જશે.ગુંડાઓ અને વ્યાજખોરો ભોંયભેગા થઇ જજો, નહીંતર દાદાનું બુલડોઝર ફરી વળશે: જીતુભાઇ સોમાણીધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ રામ નવમીના પાવન અવસરે ભગવાન રામના ૧૪ વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાના પ્રસંગને યાદ કરતા તેઓએ કાંતિભાઈ અમૃતિયાની મોરબી વાપસીને તેની સાથે સરખાવી હતી. જીતુભાઇએ જણાવ્યું હતું કે, કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવીને કાંતિભાઈ મોરબી પરત ફર્યા છે, જે મોરબીની જનતાની પ્રાર્થના, યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠનું ફળ છે. પોતાના સંબોધનમાં તેઓએ લુખ્ખા, ગુંડાઓ અને વ્યાજખોરોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, 'તમે ભોંયભીતર થઈ જજો, નહીંતર તમારી કોઈ ખેર નથી, ગમે ત્યારે દાદાનું બુલડોઝર ફરી વળશે અને ગેરકાયદેસર બાંધકામો તોડી પડાશે.'વધુમાં તેમણે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં મોટા શહેરોમાં લાગતા કરફ્યુની યાદ અપાવી ભાજપના રાજમાં શાંતિ હોવાનો અને ગુંડા તત્વોમાં ડર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કાંતિભાઈ વિશે તેઓ રાજ્યકક્ષાના મંત્રી નહિ બની શકે કે પરત નહિ આવે તેવી અફવા ફેલાવનારાઓને આડેહાથ લેતા જીતુભાઇએ તેમને 'મરદ માણસ' ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે અને કાંતિભાઈ હવે બમણી તાકાતથી જનતાની સેવા કરવા મેદાનમાં ઉતરી પડ્યા છે.મોરબીમાં બેફામ બનેલા લુખ્ખા તત્વો અને વ્યાજખોરો માટે ખરાબ દિવસોની શરૂઆત થઇ ગઈ : નિલેશ જેતપરીયાઉદ્યોગપતિ નિલેશ જેતપરીયાએ સંબોધનમાં તેઓએ જણાવ્યું હતું કે, કાંતિભાઈના આવવાથી મોરબી જિલ્લા માટે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવો માહોલ મોરબીની જનતા અનુભવી રહી છે. છેલ્લા ૧૫-૧૭ વર્ષથી મોરબીના ઉદ્યોગોના પ્રશ્નો હોય કે અન્ય સમસ્યાઓ, કાંતિભાઈ હંમેશા સિંહની ગર્જના સાથે ઉભા રહ્યા છે. કોલગેસની મંજૂરી વખતે પણ તેઓએ સરકારમાં સચોટ રજૂઆત કરી ઉદ્યોગોને બચાવવા માટે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. વધુમાં નિલેશ જેતપરીયાએ ઉમેર્યું હતું કે, કાંતિભાઈના પરત આવવાથી મોરબીમાં બેફામ બનેલા લુખ્ખા, ગુંડા તત્વો અને વ્યાજખોરો માટે ખરાબ દિવસોની શરૂઆત થઇ ગઈ છે. કાંતિભાઈ સ્વસ્થ થઈને ફરી મોરબી અને ગુજરાતની સેવા કરવા આવ્યા છે, ત્યારે તેમના નેતૃત્વ અને છત્રછાયા નીચે આવા અસામાજિક તત્વો મોરબી જિલ્લામાંથી બહાર ભાગી છૂટશે તેવો આશાવાદ અને વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. અંતમાં તેમણે કાંતિભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.#MorbiUpdate #MorbiNews #KantilalAmrutiya #GujaratPolitics #Morbi