વાહનની ટાંકીમાં જ ઇંધણ ભરવાના નિયમથી ઉદ્યોગોને મુશ્કેલીમોરબી : તાજેતરમાં સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ પરથી માત્ર વાહનોની ટાંકીમાં જ પેટ્રોલ કે ડીઝલ ભરવા અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. ઇંધણનો ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે લેવાયેલા આ નિર્ણયના કારણે મોરબી જિલ્લાના બંદર અને મીઠા ઉદ્યોગને વ્યવહારુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે આ ઉદ્યોગોના જરૂરી મશીનરીના વપરાશ માટે બેરલ કે ટેન્કરમાં ડીઝલ આપવાની છૂટ આપવા મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જયદીપ એસોસિએટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, બંદરો ઉપર માલના લોડિંગ અને અનલોડિંગમાં વપરાતા ફ્લીટ જેવા કે બાર્જીસ, મટીરીયલ હેન્ડલર, હિતાચી લોડર, જનરેટર, વોટર ટેન્કર, ફોગર મશીન વગેરેમાં ડીઝલ વપરાય છે. બંદરની એક્ટિવિટી ચાલુ રાખી શકાય, જહાજોનું લોડિંગ-અનલોડિંગ થઈ શકે અને બાર્જ દ્વારા કાર્ગોનું દરિયાઈ પરિવહન થઈ શકે તે માટે પોર્ટ ઉપરની હેવી મશીનરી ચલાવવી અનિવાર્ય છે. જેથી જરૂરી આધાર પુરાવા લઈને પંપ પરથી મશીનરી માટે ટેન્કર કે બેરલમાં ડીઝલ ભરી આપવા યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત મરીન સોલ્ટ મેન્યુ. એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, મીઠાના એકમોમાં હેવી મટીરીયલ હેન્ડલિંગ માટે વપરાતા હિતાચી મશીન, ફોર્કલિફ્ટ, મટીરીયલ હેન્ડલર, મીઠા ઉત્પાદન માટેના ડીઝલ એન્જીન, ટ્રાન્સપોર્ટ માટેના ટ્રેકટરો અને જનરેટરોમાં મોટા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાત રહે છે. આ તમામ મશીનરી પેટ્રોલ પંપ સુધી લઈ જવી શક્ય ન હોય, મીઠાના એકમના પ્રતિનિધિ જ્યારે ઇન્ડસ્ટ્રીના પુરાવા સાથે કંપનીના લેટરપેડ પર ડીઝલ લેવા પેટ્રોલ પંપનો સંપર્ક કરે ત્યારે તેઓને બેરલ કે નાના સ્ટોરેજ ટેન્કરમાં ડીઝલ કે પેટ્રોલ ભરી આપવામાં આવે તેવી માંગ છે. મીઠું એ જીવન જરૂરી ચીજવસ્તુ છે, ત્યારે મીઠાનું ઉત્પાદન ચાલુ રહે, ઇન્ડસ્ટ્રીઝ બંધ ન કરવી પડે અને શ્રમિકોની રોજગારી જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. મોરબી જિલ્લા પુરવઠા અધિકારીને પણ આ રજૂઆતની નકલ આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiCollector #SaltIndustry #PortLogistics #DieselSupply #MorbiNews #GujaratNews #BusinessNews