શહેરના કુલ 1,17,900 પૈકી 53,448 કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો : મહાપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કડક ઉઘરાણીને કારણે શહેરના જુના વિસ્તારમાં 45 ટકા વસુલાતમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં મિલકત વેરા વસુલાતની કડક અને નિયમબદ્ધ કાર્યવાહીને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશનને જુના શહેર અને નવા ભળેલા વિસ્તારમાંથી 25 માર્ચ સુધીમાં જ કુલ મળી રૂપિયા 34.66 કરોડની વિક્રમી આવક થઈ છે અને હજુ પણ આગામી પાંચ દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુ આવક થવાની સંભાવના વેરા વસુલાત શાખાએ વ્યક્ત કરી હતી.મોરબી શહેરને જાન્યુઆરી 2025મા મહાનગર પાલિકાનો દરજ્જો મળતા શહેરની જુના 90 હજાર તેમજ નવા વિસ્તારના 27,900 મિલકત મળી કુલ 1,17,900 મિલકત ધારક નોંધાયેલ છે. મહાનગર પાલિકા અમલમાં આવતાની સાથે જ સ્વભંડોળની આવક મજબૂત કરવા કમિશનર દ્વારા કડક હાથે ઉઘરાણી શરૂ કરતા ચાલુ નાણાકીય વર્ષના અંત ભાગમાં અત્યાર સુધીમાં કુલ 53, 448 લોકોએ વેરો ભરપાઇ કરી દેતા કોર્પોરેશનને આ વર્ષે રૂપિયા 34.66 કરોડની વિક્રમી આવક થઈ છે. મહત્વનું છે કે, ગત વર્ષે માર્ચ એન્ડ સુધીમાં આ આવક રૂપિયા 22.53 કરોડ હતી. તે જોતા અત્યાર સુધીમાં મોરબી શહેરમાં મિલકત વેરાની આ સૌથી વધુ આવક છે.મોરબી કોર્પોરેશનની વેરા વસુલાત શાખાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં મોરબી શહેરના 1.17 લાખ જેટલા મિલકત ધારકો પૈકી જુના મોરબી શહેરના 90 હજાર જેટલા બાકીદારો પાસેથી 70.16 કરોડ રૂપિયાનું માંગણું હતું જેમાં રૂ.31.90 કરોડ વસુલ થતા 45 ટકા વસુલાત થઈ શકી છે. જ્યારે નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારમાં 5.12 કરોડના માંગણા સામે રૂપિયા 2.76 કરોડની આવક થવા પામી હતી. કુલ મળી ચાલુ વર્ષમાં 1,17,900 મિલકત ધારકો પૈકી 53,448 લોકોએ વેરો ભર્યો હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેરમાં બાકી વેરા વસુલાત માટે 155 મિલકત સીલ કરી દેવાઈમોરબી શહેરમાં જુના અને નવા ભળેલા વિસ્તારમાં કુલ 1,17,900 મિલકત ધારકો નોંધાયેલ છે જેમાં નવી યાદીમાં 10 હજાર જેટલા બેવડાયેલા નામો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મહાનગર પાલિકા દ્વારા વેરા વસુલાતને કડક બનાવી વર્ષો જુના બાકીદારો સામે સિલિંગનું હથિયાર ઉગામી 155 પ્રોપર્ટી સીલ કરવામાં આવતા 100 આસામીઓએ ફટાફટ વેરો ભરપાઈ કર્યો હતો જેથી 100 મિલકતના સીલ ખોલી નાખી 55 મિલકતમાં સીલ યથાવત રાખવામાં આવ્યા છે.