મોરબી : મોરબી જિલ્લાના નવલખી બંદર અને દરિયાકાંઠાના (કોસ્ટલ) વિસ્તારમાં આવેલા નાના-મોટા ૮ ટાપુઓ પર માનવ વસાહત ન હોવાથી, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા આ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર, માળિયા મિયાણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મામલીયા ટાપુ, મુર્ગા ટાપુ, અનનેમ ટાપુ-૧, અનનેમ ટાપુ-૨, અનનેમ ટાપુ-૩, અનનેમ ટાપુ-૪, અનનેમ ટાપુ-૫ અને અનનેમ ટાપુ-૬ સહિત કુલ ૮ ટાપુઓ પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. સુરક્ષાને લગતા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે આ ટાપુઓ પર કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં તેમજ બોટ લાંઘરવાની પ્રવૃત્તિ કરવી નહીં.જોકે, આ પ્રવેશબંધીનો નિયમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસૂલ વિભાગ, લેન્ડ રેકર્ડસ અને ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારીઓ કે કર્મચારીઓને ફરજ દરમિયાન લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદા મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ નિયમ તા. ૨૭-૦૩-૨૦૨૬ થી આગામી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.#MorbiUpdate #Morbi #NavlakhiPort #MaliyaMiyana #CoastalSecurity #MorbiNews #GujaratPolice #IslandBan