એડીશનલ સેશન્સ જજની કોર્ટે મુખ્ય આરોપીને ૭ વર્ષ અને અન્ય ત્રણ આરોપીને ૩ વર્ષની કેદની સજા ફટકારીહળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ ૨૦૧૭ના મારામારી અને હત્યાના પ્રયાસના કેસમાં મોરબીની એડીશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે 4 આરોપીઓને દોષિત ઠેરવી મુખ્ય આરોપીને ૭ વર્ષ અને અન્ય ત્રણ આરોપીને ૩ વર્ષની કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૦૬/૦૮/૨૦૧૭ ના રોજ રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, જીવલેણ હથિયારો ધારણ કરી જૂના મનદુઃખના કારણે ફરિયાદીને પાઇપ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે સાહેદ છગનભાઈ કુકાભાઈ વચ્ચે છોડાવવા પડતા આરોપી મહીપતભાઈ અભેસંગભાઈએ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના જમણા ભાગે તલવારનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બાબતે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ કેસ મોરબીના એડીશનલ સેશન્સ જજ કમલ આર. પંડયાની કોર્ટમાં ચાલી જતા, મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે (એસ.સી. દવે) ની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે તારીખ ૨૫-૦૩-૨૦૨૬ ના રોજ ચુકાદો જાહેર કર્યો હતો.કોર્ટે હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા આરોપીઓ (૧) અભેસંગભાઈ કરશનભાઈ ગોહીલ, (૨) પ્રવિણભાઇ ભગવાનભાઇ ઉર્ફે ભગુભાઈ મકવાણા, (૩) ઘનશ્યામભાઈ ભગવાનભાઇ ઉર્ફે ભગુભાઇ મકવાણા અને (૪) મહીપાલ ઉર્ફે મહીપત અભેસંગભાઇ કરશનભાઇ ગોહીલને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કેસના પાંચમા આરોપી ખુમાનભાઇ પથુભાઇ મકવાણાનું ચાલુ કેસે અવસાન થતાં તેમની સામેનો કેસ એબેટેડ થયો હતો.અદાલતે હત્યાના પ્રયાસના મુખ્ય આરોપી મહીપાલ ઉર્ફે મહીપત ગોહીલને આઈપીસી કલમ ૩૦૭ સાથે વંચાણે લેતા કલમ ૧૪૯ મુજબના ગુનામાં ૭ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય કલમો જેવી કે આઈપીસી ૫૦૬(૨) અને ૩૨૪ (સાથે કલમ ૧૪૯) હેઠળ તમામ ચારેય આરોપીઓને ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, આઈપીસી ૧૪૭ અને ૧૪૮ હેઠળ ૧ વર્ષની સખત કેદ, આઈપીસી ૩૨૩ મુજબ ૬ માસની સખત કેદ અને જી.પી. એક્ટ ૧૩૫ તથા આઈપીસી ૧૪૩ હેઠળ ૩ માસની કેદની સજા ફટકારવામાં આવી છે. અદાલતે તમામ આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪ મુજબના ગુનામાં શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. તમામ આરોપીઓને આ જુદી જુદી કેદની સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Halvad #CrimeNews #MorbiCourt #AttemptToMurder #Justice #GujaratNews