યુદ્ધની સ્થિતિને કારણે ગલ્ફ દેશોમાં મોકલેલા કન્ટેન્ટર દુબઇ અને ઓમાનના પોર્ટ ઉપરથી પાછા મોકલાયા : પરત આવનાર એક કન્ટેનર ઉપર દોઢ લાખનું આંધણ, કરોડોનું નુકસાનમોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે યુદ્ધના કારણે સતત વિકટ પરિસ્થિતિ ઉદભવી રહી છે. એક તરફ ગેસના અભાવે ઉદ્યોગ શટ ડાઉન કરવાની નોબત આવી છે. તેવામાં છેલ્લા એકાદ મહિનામાં ગલ્ફ દેશોમાં એક્સપોર્ટ માટે મોકલવામાં આવેલા આશરે 1500 જેટલા સિરામિક પ્રોડક્ટ્સ ભરેલા કન્ટેનર પરત ફરી રહ્યા છે. જેના કારણે સિરામિક ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આ અંગે વિગતો આપતા સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે, ગલ્ફના અલગ-અલગ દેશોમાં મોકલવામાં આવેલા કન્ટેનરો ઓનબોર્ડ થયા બાદ દુબઈ, ઓમાન વગેરે પોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી હવે પરત ફરી રહ્યા છે. જેમાં 700થી 800 જેટલા કન્ટેનર દુબઇ, ઓમાન સહિતના પોર્ટ પરથી પરત આવ્યા છે. જયારે 700 જેટલા કન્ટેનર ભારતીય પોર્ટ પરથી પાછા આવ્યા છે.આ કન્ટેનર પરત આવવાથી ઉદ્યોગકારોને માતબર નુકસાની સહન કરવી પડી રહી છે. સ્થાનિક પોર્ટ પરથી જે કન્ટેનર પાછા આવ્યા છે તેમાં ઉદ્યોગકારોને 50 થી 60 હજાર રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. પરંતુ દુબઈ કે ઓમાનથી પરત આવી રહ્યાં છે. કન્ટેનરનું સરચાર્જ સહિતનું રિટર્ન ભાડું એવરેજ દોઢ લાખ રૂપિયા જેટલું ચૂકવવું પડી રહ્યું છે.એક કન્ટેનરે નફો માત્ર રૂ.30થી 40 હજાર જેટલોસામાન્ય રીતે એક કન્ટેનરમાં સરેરાશ 4 લાખ રૂપિયાનો માલ હોય છે. આ માલ પર ઉદ્યોગકારો માંડ 30થી 40 હજાર રૂપિયાનો નફો કમાતા હોય છે. પરંતુ તેની સામે કન્ટેનર દુબઈ કે ઓમાનથી પરત ફરતા 1.50 લાખ રૂપિયા જેટલું માતબર રિટર્ન ભાડું ચૂકવવું પડે છે. નફા કરતા નુકસાની અનેક ગણી વધી ગઈ હોવાથી એક્સપોર્ટરોની હાલત કફોડી બની છે.