વ્યાજખોરો સામે પાસા સુધીની કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની ચીમકીમોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક જાગૃતિના ભાગરૂપે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી શહેર ઉપરાંત હળવદ અને વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી અરજદારો પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા.જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, ત્રણ-ચાર દિવસ અગાઉ ડીવાયએસપી આલ દ્વારા લોકોને વ્યાજખોરોના ત્રાસ અંગે નિર્ભયપણે રજૂઆત કરવા અપીલ કરવામાં આવી હતી. આ લોક દરબારમાં ૭ થી ૮ જેટલી ઊંચા વ્યાજના ત્રાસની વાસ્તવિક ફરિયાદો મળી છે, જેના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ ચીમકી આપી છે કે વ્યાજખોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો પાસા હેઠળ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે.લોકોને ઊંચા વ્યાજે રૂપિયા ન લેવા પડે તે હેતુથી એક લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ થી વધુ બેંકોને બોલાવવામાં આવી હતી જેથી લોકોને સરળતાથી લોન મળી રહે અને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચી શકે.આ ઉપરાંત, 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ હેઠળ પોલીસે ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. જેમાં અંદાજે ૯.૬૦ લાખની કિંમતના ૩૧ જેટલા મોબાઈલ ફોન અને સોનાના દાગીના લોકોના હાથમાં પરત સોંપવામાં આવ્યા હતા.જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે મોરબી જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યાજખોરનો ભોગ બન્યું હોય તો ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરે, જેના આધારે પોલીસ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ડીવાયએસપી જે.એમ. આલ, સમીર સારડા, પીઆઇ રાકેશ પટેલ, વી.એન. પરમાર સહિતના હાજર રહ્યા હતા.3 લાખ વ્યાજે લીધા તેમાં 11 કરોડની જમીન ફસાઈ ગઈ : અરજદાર થોરાળા ગામના મનસુખભાઈ લાલજીભાઈ જેતપરિયાએ જણાવ્યું કે તેઓએ સાડા ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે તેમણે પરત ચૂકવી દીધા હોવા છતાં તેમની પાસે સાટાખત કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સાટાખત કેન્સલ કરવા માટે વ્યાજખોર દ્વારા ૨ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મનસુખભાઈએ જણાવ્યું છે કે તેમની ૧૧ કરોડની જમીન આ મામલામાં ફસાઈ ગઈ છે. આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વ્યાજ સાથે નાણા પરત આપ્યા છતાં જમીન પચાવી લીધી : અરજદારમાટેલ ગામના રોહિત નામના અરજદારે કહ્યું કે તેઓના પિતાએ તેમના લગ્ન સમયે ૧૫% વ્યાજે ૫ લાખ રૂપિયા સંબંધી પાસેથી લીધા હતા. છ મહિના બાદ પિતાએ જમીન છોડાવવા માટે દસ્તાવેજ કરવાનું કહેતા, વ્યાજખોરે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. રોહિતના પરિવારે ૧૦ લાખ રૂપિયા ચૂકવવા સંમતિ આપી, તેમ છતાં વ્યાજખોરે દસ્તાવેજ પરત કરવાના બહાને લાંબો સમય કાઢ્યો અને અંતે જમીન પરત આપવાનો ઇનકાર કર્યો. રોહિતે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હોવાની રજૂઆત કરી છે.#Morbi #MorbiPolice #LokDarbar #VyajkhoroVirodh #LoanMela #TeraTujhkoArpan #GujaratPolice #MorbiUpdate