આઈઓસીના રિટેલ હેડની ફરિયાદના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ગુન્હો દાખલ : આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અન્વયે ફરિયાદરાજકોટ : રાજકોટ શહેર જિલ્લામાંમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોવાની ખોટી અફવા ફેલાવી લોકોમાં ગભરાટ અને અરાજકતા ઊભી કરવા બદલ રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ આઈઓસી કંપનીના રિટેઇલ હેડની ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.શનિ અને રવિવારની રજાને પગલે રાજકોટ શહેર - જિલ્લામાં કેટલાક પેટ્રોલપંપમાં અછત સર્જાતા ગત તારીખ 23 માર્ચ 2026 ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે રાજકોટ પેટ્રોલ - ડીઝલ ડીલર્સ એસોસિએશન પ્રમુખ ગોપાલ ચુડાસમા અને 40 થી 50 ડીલરો મીડિયા કર્મીઓ સાથે પૂર્વ મંજૂરી વગર રેસકોર્સ રિંગ રોડ પર આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ડિવિઝનલ રીટેલ સેલ્સ હેડ અમિત કુમાર જયસ્વાલ સાથે મુલાકાત કરી જથ્થા અંગે પૂછપરછ કરી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે કંપની પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે. આમ છતાં ગોપાલ ચુડાસમાએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી એવા ખોટા નિવેદનો આપ્યા હતા કે પેટ્રોલ પંપો 'ડ્રાય' થઈ ગયા છે અને કંપની પાસે જથ્થો નથી. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે આવી ભ્રામક માહિતી ફેલાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પરિણામે, રાજકોટના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને સામાન્ય જનતાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ પેટ્રોલ ડીઝલ ખૂટયાની અફવા બાદ રાજકોટ કલેકટર તંત્રથી લઈ ગાંધીનગર પુરવઠા વિભાગને સ્પષ્ટતા કરી લોકોને અફવામાં ન દોરવાવા અપીલ કરી હતી. જો કે, તંત્રની અપીલ બે અસર રહેતા મંગળવારે પણ લાઈનો યથાવત રહી હતી જેથી મોરબી - રાજકોટ હાઇવે પર પણ પેટ્રોલપંપમાં પેટ્રોલ - ડીઝલ ખૂટી પડયા હતા.બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પણ અફવા ફેલાવનારાને શોધવા કામે લાગ્યું હતું. જેમાં આઈઓસીના અધિકારી અમિત જયસ્વાલની ફરિયાદના આધારે પોલીસે ગોપાલ ચુડાસમા વિરુદ્ધ: ભારતીય ન્યાય સંહિતા (BNS): કલમ 353(1)(b) તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ: કલમ 3, 7 અને 9(2) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયભાઈ વિક્રમભાઈ ધ્રાંગુ ચલાવી રહ્યા છે. સાથે જ તંત્રએ નાગરિકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં ન આવવા અપીલ કરી છે.