ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર: ચાઇના અને જર્મનીથી આવતો કાચો માલ અટકતા માત્ર એક અઠવાડિયાનો સ્ટોક બચ્યોમોરબી: મોરબી અને હળવદ પંથકમાં આવેલા લેમિનેટ (સનમાઇકા) ઉદ્યોગ પર હાલ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કાચા માલની અછતના કારણે અગાઉથી જ લેમિનેટ ફેક્ટરીઓમાં 50% જેટલું પ્રોડક્શન ઘટાડી દેવામાં આવ્યું છે. બીજી તરફ 31મી માર્ચ સુધીમાં પરિસ્થિતિ નહીં સુધરે તો કારખાના સંપૂર્ણપણે બંધ કરવા પડે તેવી નોબત આવી શકે છે.લેમિનેટ ઉદ્યોગના આગેવાન અનિલભાઈ સીતાપરાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબી અને હળવદ વિસ્તારમાં અંદાજે 40 જેટલી લેમિનેટ બનાવતી ફેક્ટરીઓ આવેલી છે. આ ઉદ્યોગમાં વપરાતો 75% જેટલો કાચો માલ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને લેમિનેટ માટેનું ડિઝાઇન પેપર 90% ચાઇના અને જર્મનીથી મંગાવવામાં આવે છે. હાલમાં ઇઝરાયેલ, ઇરાન અને અમેરિકા વચ્ચેની તંગદિલી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે કાચા માલની આયાત પ્રભાવિત થઈ છે. હાલમાં કારખાનેદારો પાસે માત્ર એક જ અઠવાડિયું ચાલે તેટલો કાચા માલનો સ્ટોક બચ્યો છે. પરિણામે તમામ ફેક્ટરીઓએ પોતાનું પ્રોડક્શન અડધું એટલે કે 50% કરી નાખ્યું છે. 31મી તારીખ સુધીમાં જો રો-મટીરીયલની સપ્લાય સામાન્ય નહીં થાય તો મોટાભાગના એકમો બંધ થઈ જશે. નોંધનીય છે કે નોર્થ ઇન્ડિયા (જેમ કે યુપી, હરિયાણા, યમુનાનગર) માં ગેસ પર ચાલતા અમુક કારખાનાઓ તો કાચા માલની અછતને લીધે અત્યારથી જ બંધ થઈ ગયા છે. મોરબીનું લેમિનેટ માર્કેટ મુખ્યત્વે ડોમેસ્ટિક છે અને ભારતભરમાં અહીંથી માલ સપ્લાય થાય છે. મોરબીના લેમિનેટ ઉદ્યોગકારો ILMA (ઇન્ડિયન લેમિનેટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન) સાથે જોડાયેલા છે, જેની હેડ ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે.#MorbiUpdate #Morbi #LaminateIndustry #MorbiNews #Halvad #BusinessNews #Sunmica #IndustryCrisis #Gujarat