મોરબી બાર એસોસિએશન દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો : રાજકોટમાં હાઈકોર્ટ બેંચ મળે તે માટે તમામ પ્રયત્નો કરવાની જાહેરાત મોરબી : ગુજરાત બાર કાઉન્સિલની 1.25 લાખ જેટલા વકીલોની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સૌથી વધુ મતે સતત ચોથી વખત વિજેતા થયેલા ઉમેદવાર દિલીપભાઈ પટેલનું આજે મોરબીમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલ ભાઈ-બહેનોએ ગુલાબી સાફા પહેરી, ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે વિજેતા ઉમેદવાર દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, વકીલોના કામ કરવાની સાથે હવે તેમનો સૌથી મોટો અને અગત્યનો પ્રશ્ન ગુજરાતમાં હાઈકોર્ટની બેંચ સૌરાષ્ટ્રને મળે તે છે. આ માટે આગામી સમયમાં ઝુંબેશ ચલાવવામાં આવશે. આ વર્ષે સુમિતભાઈ વોરાના અધ્યક્ષસ્થાને હાઈકોર્ટ બેંચની લડત અપાશે અને હાઈકોર્ટ બેંચ લઈને જ જંપીશું તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેઓ પણ રાજકોટથી ચૂંટણી લડ્યા હતા અને તેમને રાજકોટ પ્રત્યે પ્રેમ છે, જેથી રાજકોટને હાઈકોર્ટ બેંચ મળવાની પૂરી આશા છે. આંકડાકીય માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં 60% જેટલા કેસો માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના હોય છે. પોરબંદર કે ભુજ જેવા વિસ્તારોમાંથી અમદાવાદ પહોંચવામાં 8 થી 10 કલાકનો સમય લાગે છે. જો રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને તેનો સીધો અને મોટો ફાયદો થશે.ચૂંટણીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલમાં કુલ 1 લાખ 25 હજાર જેટલા વોટર્સ છે. જેમાંથી વિજેતા બનવા માટે 1929 મતોનો ક્વોટા નક્કી હતો. આ ક્વોટા પ્રાપ્ત કરીને તેઓ ત્રીજી વખત સૌથી વધુ મતોથી અને ઓવરઓલ ચોથી વખત આ ચૂંટણીમાં વિજેતા બન્યા છે.#Morbi #MorbiUpdate #GujaratBarCouncil #Lawyers #HighCourtBench #Rajkot #Saurashtra #MorbiNews